મેટોડામાંથી ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજુર
મેટોડામાંથી ઝડપાયેલા 1.700 કિ.ગ્રા. ગાંજાના કેસમાં સપ્લાયર તરીકે નામ ખુલતા ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ મેટોડા જી.આઈ.ડી.સી. સર્વેલન્સ સ્ટાફે તા.23/06/2025 ના રોજ બાતમીના આધારે આરોપી કુંદનકુમાર પવન શાહ (રહે. મુળ બિહાર)ને મેટોડા ગેઈટ નં.3 ખાતેથી ભાડાના મકાનમાંથી 1.700 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં આરોપી હાર્દિક અનુભાઈ ચાવડા (રહે. ધારી ગામ, હાલ રહે. અંધેરી વિસ્તાર મેટોડા) નિયમીત ગાંજો પીવા આવતો હતો. આરોપી કુંદન શાહ ગાંજો આપતો હતો તે આરોપી હાર્દિક ચાવડા ગાંજો મેળવી પોતે નિયમીત સેવન કરતો અને મેટોડા વિસ્તારના મજુરોને પણ ગાંજો સપ્લાય કરતો હતો.
નામ ખુલતા પોલીસે હાર્દિક ચાવડાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી હાર્દિક ચાવડાએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ જજ ડી. એસ. સિંગએ આરોપી હાર્દિક ચાવડાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયા હતા.