ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરીની હત્યાના પ્રયાસમાં જામીન માટે હાઈકોર્ટમાં અરજી
ભચાઉ પાસે પોલીસ અધિકારી ઉપર કાર ચડાવી હત્યાના પ્રયાસાના ગુનામાં બુટલેગર સાથે પકડાયા પછી ફરજ મોકૂફ કરવામાં આવેલી નિતા ચૌધરીના જામીન નીચલી કોર્ટે જામીન મંજુર કર્યા બાદ ભચાઉ સેશન્સ કોર્ટે જામીન રદ્દ કરશે અને તેની ફરી ધરપકડ કરાશે તે ડરથી લાપત્તા બન્યા બાદ હવે જામીન મુક્તિ માટે નીતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ત 30મી જૂનની સાંજે ભચાઉના વોન્ટેડ બૂટલેગર યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરીએ ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમનો ઘેરો તોડવા જીપ ચઢાવવા પ્રયાસ કરેલો. પણ ફાયર કરી પોલીસે આપેલા વળતા જવાબ બાદ બન્ને જણાને પકડી ભચાઉ પોલીસે હત્યાના પ્રયાસ તથા દારૂૂબંધીની કલમો હેઠળ બે અલગ અલગ ગુના નોંધ્યા હતાં. હત્યાના પ્રયાસના કેસમાં ભચાઉની નીચલી કોર્ટે નીતા ચૌધરીને જામીન આપી દેતાં પોલીસે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલી.
સેશન્સ કોર્ટે મંગળવારે નીતા ચૌધરીને મંજૂર થયેલાં જામીન રદ્દ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કરેલો. પરંતુ, નીતા લાપત્તા થઈ ગઈ હોવાનું પોલીસે જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નીતા ચૌધરી ગંભીર ગુનામાં સંડોવાતાં પૂર્વ કચ્છ પોલીસે તેને સસ્પેન્ડ કરી દીધી છે.સેશન્સ કોર્ટે બે દિવસની મુદ્દત આપ્યા પછી કોર્ટમાં હાજર ન થતાં પોલીસ તેને પકડવા ઘરે પહોંચી તો ઘર બંધ જોવા મળ્યું હતું. બસ ત્યારથી લાપત્તા નિતાએ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.