મોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચી
મોરબીમાં શનાળા પાસે રાત્રીના સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સ રૂૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો ઝપાઝપી કરી ઝૂંટવીને ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબીમાં શનાળા પાસે લીમડાવાળા મેલડી માના મંદિરે આજે રાત્રીના 9:45 વાગ્યાના અરસામાં ઘનશ્યામભાઈ સોરાણી નામના વ્યક્તિ હાથમાં થેલો લઈને ઉભા હતા. આ થેલામાં રૂૂ.3.50 લાખ રોકડા હતા. આ વેળાએ એક શખ્સ ત્યાં આવ્યો હતો અને થેલો ઝુટવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને વચ્ચે થોડી ઝપાઝપી પણ થઈ હતી. બાદમાં આ શખ્સ થેલો ઝુંટવી ત્યાંથી ભાગી ગયો હતો.
આ મામલે ભોગ બનનાર ઘનશ્યામભાઈ સુરાણીએ કહ્યું કે હું અહીં પાછળ જ રહું છું. અહીં ઉભો હતો ત્યારે એક શખ્સે આવીને થેલો ઝુંટવી લીધો હતો. મે એક હાથે થેલો પકડયો હતો અને એક હાથે લડત આપી હતી. ઝપાઝપી થઈ હતી. થેલો પણ તૂટી ગયો અને તે શખ્સ થેલો લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પીઆઈ રાકેશ પટેલે જણાવ્યું કે આ મામલે માહિતી મળી છે. તપાસ ચાલુ છે. બીજી તરફ એ ડિવિઝન ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.