બેડી ચોકડી પાસેથી 4.13 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ઓટો બ્રોકર ઝડપાયો
દારૂ લેવા મોકલનાર બૂટલેગર અને દારૂ ભરી આપનાર શખ્સની શોધખોળ : 798 બોટલ દારૂ અને કાર મળી કુલ 19.33 લાખનો મુદ્દામાલ કબજે
શહેરના બેડી ચોકડી પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ડ્રાયવરની ધરપકડ કરી રૂા.4.13 લાખની કિંમતની 798 બોટલ વિદેશી દારૂ સહિત રૂા.19.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો લેવા મોકલનાર હુડકોના બુટલેગર અને દારૂનો જથ્થો ભરી આપનાર સપ્લાયરના નામ ખુલતા બન્નેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, શહેરના બેડી ચોકડી પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયાની ટીમના દીલીપભાઈ બોરીચા અને જયરાજસિંહ કોટીલાને મળી હતી. જેના આધારે વોચ ગોઠવવામાં આવી હોય જુના જકાતનાકા પાસે જીજ-3પીજે-0077 નંબરની સ્કોર્પિયોને અટકાવવામાં આવી હતી. આ સ્કોર્પિયોની તલાસી લેતાં તેમાંથી રૂા.4.13 લાખની કિંમતની 798 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ દારૂનો જથ્થો કારની વચ્ચેની સિટની પાછળ છુપાવવામાં આવ્યો હતો. કાર અને દારૂ સહિત રૂા.19.33 લાખનો મુદ્દામાલ કબજે કરી શહેરના કોઠારીયા રોડ પર ભોજલરામ સોસાયટીમાં રહેતાં અને કાર લે વેચનો ધંધો કરતાં ઓટો બ્રોકર સોહિલ સલીમભાઈ પલેજાની ધરપકડ કરવામાં આવી હતી. જેની પુછપરછમાં આ દારૂનો જથ્થો હુડકો કવાટર્સમાં રહેતા ડેનીશ અશ્વિનભાઈ પરમારે મંગાવ્યો હતો અને આ દારૂનો જથ્થો ડેનીશના મિત્ર લાલાએ ભરી આપ્યો હતો. જે લઈને તે આપવા જતો હતો તે પૂર્વે ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ક્રાઈમબ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર.ગોંડલીયા, એમ.એન.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમના દીપકભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, જયરાજસિંહ કોટીલા, અમીતભાઈ અગ્રાવત, રાજેશભાઈ જડુ, મયુરભાઈ મિયાત્રા, પ્રદીપસિંહ જાડેજા, વિશાલભાઈ દવે સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.