જીવરાજ પાર્ક પાસે મામા-ભાણેજ પર હુમલો, બચાવવા જતા મામીને પથ્થર વાગતા દાંત તૂટી ગયો
શહેરના જીવરાજ પાર્ક પાસે આવેલી લક્ષ્મણ ટાઉનશીપના ગેટ પાસે ભાણેજ પર 3 શખ્સોએ હુમલો કરતા તેમને બચાવવા વચ્ચે પડેલા મામા-મામીને ઇજા પહોંચી હતી અને ઘવાયેલા મામાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે.
મળતી વિગતો મુજબ લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા નરેન્દ્રસિંહ જુવાનસિંહ રાણા નામના પ1 વર્ષના પ્રૌઢે પોતાની ફરીયાદમાં મિલન ખખ્ખર, દર્શન અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે જેમાં નરેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે તેઓ ભુણાવા પાસે આવેલી શકિતમાન કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સાંજના સમયે પોતે લક્ષ્મણ ટાઉનશીપના ગેટ પાસે હતા ત્યારે તેમના ભાણેજ જયદેવસિંહ જાડેજા સાથે મિલન ખખ્ખર સહીત 3 લોકો ઝઘડો કરતા હતા. જેથી તેમને બચાવવા નરેન્દ્રસિંહ વચ્ચે પડતા આરોપીઓએ પથ્થરના ઘા કર્યા હતા જેથી નરેન્દ્રસિંહને માથામાં ઇજા પહોંચી હતી. દેકારો થતા નરેન્દ્રસિંહના પત્ની પ્રફુલાબા છોડાવવા વચ્ચે પડતા તેઓને મોઢા પર પથ્થર વાગતા તેમનો દાંત પડી ગયો હતો. થોડીવાર બાદ આરોપીઓ ત્યાથી ભાગી જતા 108 મારફતે ઘવાયેલા દંપતી સહીત ત્રણેય સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના એએસઆઇ સલીમભાઇ માડમે ફરીયાદ નોંધી હતી.