For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ

12:18 PM Dec 11, 2024 IST | Bhumika
ગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ
Advertisement

અમદાવાદમા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલમાં ભાજપના કાર્યકર એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને આંતરીને સાતેક લોકોની ગેંગે તલવાર-લાકડીઓ લઈ ઘાતકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે વિજય સુવાળાને ડ્રાઇવર સાથે ફિલ્મી ઢબે જીવ બચાવવા ભાગવાની નોબત આવી હતી. આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ કરવાના મુદ્દે થયો હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને અડાલજ પોલીસે અમદાવાદના ત્રણ હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે વિજય રણછોડ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે રાત્રિના આશરે દશેક વાગે વિજય સુવાળા તથા તેના મિત્રો વિક્રમ રબારી, મહેશ રબારી ઈનોવા ગાડી લઇને તેના ગામ સુવાળા ખાતે એક સામાજીક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાંથી નીકળી આશરે સાડા દસેક વાગે ઝુંડાલ સર્કલ પાસે હતા. તે દરમિયાન ઝુંડાલ સર્કલ પાસે તે વખતે ફુલા રબારી (રહે-ગોતા) એ ફોન કર્યો હતો અને નવઘણ ગાટીયા તથા અનિલ બાદશાહ (બન્ને રહે. ગોપાલનગર મેમનગર)ને ફોન ઉપર કોન્ફરન્સમાં લીધા હતા. બાદમાં ત્રણેય જણા કહેવા લાગેલા કે, વિજય તું અમારા પ્રોગ્રામ કેમ કરતો નથી અને બીજા પ્રોગ્રામ કરે છે. જેથી વિજય સુવાળાએ કહેલું કે, મારા પ્રોગ્રામની તારીખ ફિક્સ હોય છે અને હું દરેક સમાજના પ્રોગ્રામ કરૂૂં છું.

Advertisement

તમારા કોઇ પ્રોગ્રામ હોય તો કહેજો તે પણ કરીશ. જેનાં પગલે ત્રણેય જણા કહેવા લાગેલા કે, તારે પ્રોગ્રામ કરવા હોય તો અમે જેના પ્રોગ્રામ કરવાના કહીએ તેના પ્રોગ્રામ કરવા પડશે. નહીં તો જાનથી હાથ ધોઇ બેસીશ. બાદમાં ગાળો બોલી કહ્યા મુજબના પ્રોગ્રામ નહીં કરે તો ગમે ત્યારે પતાવી દેવાની ધમકીઓ આપવા લાગતા તેમણે ફોન કાપી નાખ્યો હતો.બાદમાં સુવાળા ગામ હાજરી આપી કલોલના પલીયડ ખાતે પ્રોગ્રામ કરવા માટે ગયા હતા. જ્યાં આશરે પાંચેક વાગે પ્રોગ્રામ પુરો કરી અમદાવાદ ઘર તરફ જવા નીકળ્યા હતા. મોલ પાસે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવા ગાડી આગળ આવીને ઊભી રહી ગઈ હતી. જેમાંથી નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનીલ રબારી સાથે અન્ય ચાર લોકો તલવાર, છરી, લાકડીઓ લઈને નીચે ઉતર્યા હતા.

ત્રણેય જણા બૂમો પાડી કહેવા લાગેલા કે, જો અમારા પ્રોગામ ના કરે અને આ રીતે બીજાના પ્રોગ્રામ કરતો રહે તો આજે તારી શું દશા થાય છે. બાદમાં બધા વિજય સુવાળાને મારવા માટે ધસી ગયા હતા. જેથી વિજય સુવાળાનાં કહેવાથી ડ્રાઇવર વિક્રમે કારને પૂરપાટ ઝડપે ભગાડી મુકી હતી. ફિલ્મી ઢબે ઇન્દીરાબ્રીજ સુધી પીછો કર્યો હતો. જેથી તેમણે 100 નંબર ઉપર પોલીસને ફોન કરતાં બધા ત્યાંથી જતા રહ્યા હતા અને પોલીસ વિજય સુંવાળાને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઈ હતી. જો કે, હદ ગાંધીનગરની હોવાથી વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઈ કે. બી. સાંખાલાએ જણાવ્યું કે, વિજય સુવાળાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર બનાવની તપાસ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement