વડોદરામાં કોમીપલિતો ચાંપવા પ્રયાસ, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકાયા
મધરાત્રે ઘટના, સીસીટીવીના આધારે શંકાસ્પદોની સઘન પૂછપરછ, ભાવિકોમાં રોષ
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાતે 3 વાગ્યે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું કે, પોલીસની હાજરીમાં ઇંડા ફેંકવામાં આવ્યા છે. કંઈક દાખલો બેસાડે તો
આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે, આરોપી સામે કડક કાર્યવાહી કરાશે. આ ઘટના રાત્રિના 3 વાગ્યાના આસપાસની છે. શંકમંદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી રહ્યા છે. હાલમાં અજાણ્યા શખસો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂૂ કરવામાં આવી છે.
આ ઘટના અંગે સ્થાનિક દંડક શૈલેષ પાટીલે આતંકવાદી કૃત્ય ગણાવીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આવા કૃત્યથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ શહેરના લોકો આવા તત્વોને સફળ થવા દેશે નહીં.
આ અંગે નિર્મલ ભક્ત યુવક મંડળના સભ્ય સત્યમે જણાવ્યું કે, અમે ગણેશજીની મૂર્તિને લઈને જઈ રહ્યાં હતા, ત્યારે ત્રીજા માળેથી કોઈએ ઈંડા ફેંક્યા હતાં. અમે તાત્કાલિક સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમની સામે પણ ઈંડા ફેંકવામાં આવ્યા હતાં. આ ઘટના રાત્રે કિશનવાડી કૃષ્ણ તળાવથી પાણીગેટ થઈને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મજાર માર્કેટ ખાતે બની હતી.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિની ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા છે. કાર્યકરો પર ઈંડા ફેંકવામાં આવ્યા છે. પોલીસની હાજરીમાં ફેંકવામાં આવ્યા છે અને રોડની બંને બાજુથી ફેંકવામાં આવ્યા છે, એટલે અમારા માનવા મુજબ આ એક ષડયંત્રનો ભાગ છે. આ ષડયંત્રમાં જે કોઈ સામેલ હોય એની તપાસ કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે.