બગસરામાં વ્યાજના નાણાની ઉઘરાણી કરી રિક્ષા પડાવી લેતા આધેડનો ગળુ કાપવાનો પ્રયાસ
બગસરાના જૂની હળીયાદના 50 વર્ષિય આધેડની વ્યાજખોરોએ રીક્ષા આંચકી લેતા આધેડે ગળામાં બ્લેડ વડે કાપા મારી દેતા અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્યાજખોરોએ આધેડને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
બગસરાના જૂની હળીયાદમાં રહેતા કાંતિભાઈ અરજણભાઈ દાફડા (ઉ.વ.50)એ બગસરાના નટવરનગરમાં રહેતા રૂૂસ્તમ મોગલ અને સાજીદ ઈકબાલભાઈ અગવાન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે છ વર્ષ પહેલા રૂૂસ્તમ મોગલ અને સાજીદ અગવાન પાસેથી પચાસ-પચાસ હજાર મળી એક લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા.
આ બંનેને કાંતિભાઈએ રેગ્યુલર વ્યાજ ચુકવ્યું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી તેની આર્થિત પરિસ્થિતિ સારી ન હોવાથી વ્યાજના રૂૂપિયા ચુકવ્યા ન હતા.
બંને શખ્સોએ કાંતિભાઈ દાફડાને ઘરે બોલાવી અપશબ્દો કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. તેમજ નાણાંની માંગણી કરી હતી. આ ઉપરાંત રૂૂસ્તમ મોગલ અને સાજીદ અગવાને તેની રીક્ષા આંચકી લીધી હતી.
જેના કારણે કાંતિભાઈને મનમાં લાગી આવતા ઘરે જઈ ગળામાં બ્લેડ વડે કાપા કરી દેતા સારવાર અર્થે અમરેલીની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બગસરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ડીવાયએસપી નયનાબેન ગોરડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. અમરેલી પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવા માટે જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ અમરેલી જિલ્લામાં વ્યાજખોરો બેખોફ બની ફરી રહ્યા છે. દિવસે દિવસે વ્યાજખોરી વધી રહી છે.
