મેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા કાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ ઉપર તેના ગામના જ ત્રણ શખ્સોએ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઘટનામાં સંડોવાયલ ત્રણ શખ્સોને મેટોડા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ કાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં રામદેવસિંહ અશોકસિંહ જાડેજા (ઉ.વ.28)એ મેટોડા પોલીસમ આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેમાં કાલાવડ તાલુકાના શિશાંગ ગામના રાજકુમારસિંહ ઉર્ફે કુમાર જાડેજા, મોટા વડાળાના અબ્બાસ અકબરભાઈ મુલતાની અને આરિફ અકબરભાઈ કાજીના નામ આપ્યા હતા. ગઇકાલે તે ઘરેથી જમીને પિતાને ઈકો કારમાં લઈ મોટા વડાળા ગામે બેંકના કામે ગયા હતાં. ત્યાંથી તે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી રાજકુમારસિંહ અલ્ટો કાર તેની ઈકો કાર ઉપર નાખી હતી. જેથી બંને કાર અથડાતા સહેજમાં અટકી હતી. આથી તેણે આરોપીને ફોન કરી મારી ઉપર ગાડી કેમ નાખે છે, મારી સાથે આવી મસ્તી ન કરતો કહેતાં આરોપીએ ગાડી આ રીતે જ ચાલશે, હું કોઈ મસ્તી ન હોતો કરતો કહી ગાળો આપવા લાગતા તેને ગાળો બોલવાની ના પાડી હતી. આથી આરોપીએ હું હમણા મેટોડા આવું છું, તું ત્યાં જ રહેજે તેવી ધમકી આપી કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તે તેના પિતાને ઘરે ઉતારી પરત મેટોડા નોકરીએ ગયો હતો. ત્યારબાદ તેણે તેના કાકાના દિકરા પ્રદિપસિંહ હરપાલસિંહ જાડેજાને ફોન કરી આ વાત કરી હતી. તે જીઆઈડીસીમાં ગેઇટ નં. 2 પાસે જતાં ત્યારે ત્યાં ધસી આવેલા તેના જ ગામનાં રાજકુમારસિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઉર્ફે ધનુભા જાડેજા, અબ્બાસ અને આરીફે ફરી ધમકી આપી હતી. આ સમયે કાકાના દિકરા પ્રદીપસિંહે આરોપીને સમજાવતા તે ઉશ્કેરાઈ જતા ધારીયા, ધોકા અને છરી વડે હુમલો કરતાં તેને અને પ્રદીપસિંહને ગંભીર ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતાં આ બનાવમાં મેટોડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ રાજકુમારસિંહ ઉર્ફે કુમાર યુવરાજસિંહ ઉર્ફે ધનુભા જાડેજા, અબ્બાસ અને આરીફને ઝડપી લીધા હતા.
જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઈ એસ.એચ.શર્મા સાથે યોગીરાજસિંહ અજયસિંહ, જસમતભાઇ આંબાભાઇ, હરેશભાઇ કરશનભાઇ, ઉપેન્દ્રસિંહ જીતુભા, મયુરસિંહ અનિરૂૂધ્ધસિંહ, સુભાષભાઈ લાભુભાઈ, રવુભાઇ ટપુભાઇ, લક્કીરાજસિંહ બાબુભા, શક્તિસિંહ પ્રહલાદસિંહ, નિતીનભાઈ ધીરજભાઇએ કામગીરી કરી હતી.