ગરબી રમતી બાળાઓની છેડતી કરતા ટપોરીઓને સમજાવવા જતાં આયોજક પર હુમલો
વાંકાનેરના ઠીકરિયાળા ગામે ગરબી રમતી બાળા વચ્ચેથી બિન્દાસ્ત બાઈક પસાર કરી છેડતીનો પ્રયાસ કરનારા ત્રણ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાના પગલે આયોજક સમજાવટથી કામ લેવા જતાં આરોપીઓ વિફર્યાં હતા અને છરી બતાવી માર માર્યો હતો.
વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામે પ્રાચીન ગરબીમાં રાસ-ગરબા રમતી બાળાઓની વચ્ચેથી ત્રણ-ત્રણ વખત બાઈક પસાર કરી ત્રણ ઇસમો દ્વારા છેડતીનો પ્રયાસ કરી, ગરબીના આયોજકને છરી બતાવી ઢીકા પાટુનો માર મારતા આ મામલે ત્રણ ઇસમો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે રામજી મંદિર ચોકમાં પ્રાચીન ગરબી યોજાતી હોય, જેમાં ગત તા.8ના રાજ રાત્રીના બાળાઓ રાસ-ગરબા રમતી હોય ત્યારે આરોપી હર્ષદ રાજાભાઈ નાકિયા (રહે. ઠીકરિયાળા), દેવ ડાભી (રહે. કુવાડવા) અને એક અજાણ્યા ઇસમ સહિત ત્રણેય શખ્સોએ પોતાનું હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે 13 બીઇ 6248 ત્રણ-ત્રણ વખત રાસ-ગરબા રમતી બાળાઓ વચ્ચે નાંખી બાળાઓની છેડતી કરવાનો પ્રયાસ કરતા ગરબી મંડળના સભ્ય અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણીએ ત્રણેય શખ્સોને રોકતા આરોપી દેવ ડાભીએ છરી બતાવી, ધમકી આપી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુંનો માર મારતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગરબી આયોજકની ફરિયાદ પરથી ત્રણેય ઇસમો સામે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.