સગપણની ના પાડ્યાનો ખાર રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી ઉપર હુમલો
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી બસપોર્ટમાં ચાલતા પરીક્ષાની તૈયારીના કલાસીસમાં હતી ત્યારે તેના કૌટુંબીક મામાના દિકરા સહિત ચાર શખ્સોએ ધસી આવી યુવતી અને તેના કલાસીસ શિક્ષકને માર મારી યુવતીને જાનથી મારી નાખવાની અને ફોટા વાયરલ કરી નાખવાની ધમકી આપી હતી. સગપણની ના પાડયાનો ખાર રાખી હુમલો કરી માર માર્યા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ, થોરાળા વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટી શેરી નં.3માં રહેતી પ્રિતી જગદીશભાઈ ખીમસુરીયા (ઉ.19) નામની યુવતીએ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કૌટુંબીક મામાનો દીકરો નાગરાજ દેવજીભાઈ વધેરા, યુવરાજ, સાહીલ અને નાગરાજના મિત્રનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણી હાલમાં બી.કોમનો અભ્યાસ કરતી હોય અને સાથે બસપોર્ટમાં ત્રીજા માળે આવેલી સત્યમેવ જયતે એકેડમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ગઈકાલે સવારે તેણી ઉપરોકત એકેડમી ખાતે હતી અને તેના કલાસીસના સર દીપ ઓડેદરા સાથે લોબીમાં ઉભી હતી ત્યારે તેના કૌટુંબીક મામાનો દીકરો નાગરાજ ત્યાં ધસી આવ્યો હતો અને તેનો વિડિયો ઉતારવા લાગ્યો હતો જેથી તેના સર દીપ ઓડેદરાએ નાગરાજને વિડિયો ઉતારવાની ના પાડતાં તે તેના સરને માર મારવા લાગેલો અને જપાજપી કરતાં તેણી છોડાવવા જતાં તેને પણ ફડાકો ઝીંકી દીધો હતો અને ‘આજે તને મારી નાંખીશ, જીવતી ઘરે નહીં જવા દઉં’ તેમ કહ્યું હતું. બાદમાં અન્ય આરોપીઓએ આવી માર માર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ બે વર્ષ પહેલા નાગરાજ સાથે તેની સગાઈ બાબતનું માગુ નાખેલ હતું પરંતુ પરિવારજનોએ ના પાડી હોય જેનો ખાર રાખી આરોપીઓએ એકેડમી ખાતે ધસી આવી માર માર્યો હતો અને તેણીના ફોટા વાયરલ કરી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસે ચારેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.