ભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલો
ભેસાણમાં એક પિતા પર થયેલા જીવલેણ હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. જમનભાઈ રાઠોડ (ઉંમર 55) તેમની દીકરી નંદનીબેનને મળવા ગયા હતા. નંદનીબેને નયનભાઈ કલાભાઈ વાઘેલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા ત્યારે તેમને મળવા જતા તેની ઉપર હુમલો થયો હતો.
આ ઘટના 16 એપ્રિલના રોજ સાંજે આઠ વાગ્યાના સુમારે મેદપરા ગામ નજીક બની હતી. આરોપીઓમાં નયનભાઈ કલાભાઈ વાઘેલા, જીગો કલાભાઈ વાઘેલા, ચંદુભાઈ ચકાભાઈ વાઘેલા, નાગલો રિક્ષાવાળો અને નયનનો બનેવી સામેલ છે. આરોપીઓને જમનભાઈનું દીકરીને મળવા આવવું પસંદ ન હતું. તેઓએ એકસંપ થઈને જીવલેણ હથિયારો સાથે હુમલો કર્યો. નયનભાઈ અને નાગલાએ છરી વડે જમનભાઈના જમણા પગના સાથળ અને ડાબા ખભા પર વાર કર્યા. ચંદુભાઈ અને નયનના બનેવીએ લોખંડના પાઈપ વડે પગના ભાગે માર માર્યો. જીગાએ શરીર પર આડેધડ મુક્કા માર્યા અને ગાળો આપી.પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 189(2), 190, 191(2), 191(3), 115 (2), 118(1), 296(બી) અને 135 હેઠળ ગુનો નોંધ્યો છે. ભેસાણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે.