સરકારે ચાબૂક મારતાં જ પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ
શંકાસ્પદ વાહનો ચેક કર્યા : લત્તાવાસીઓને કહયું, કોઇ વ્યક્તિની હેરાનગતિ હોય તો ડરો નહીં પોલીસને જાણ કરો
સરકારનાં આદેશ બાદ રાજયમા અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પોલીસ વડા વિકાસ સહાયે તમામ જીલ્લામા અધિકારીઓને ગુંડાઓની યાદી તૈયાર કરવા સુચના આપી દેવામા આવી છે. તેમજ આ નિર્ણયનુ તાત્કાલીક અમલીકરણ કરવા આદેશ કરવામા આવ્યા છે. આ યાદીમા એવા તત્વોનો સમાવેશ કરવો તે પણ સ્પષ્ટતા કરવામા આવી છે જેમા વારંવાર શરીર સબંધી ગુનામા સંકળાયેલા વ્યકિતઓ, ખંડણી ઉઘરાવવી, ધાક ધમકી આપતા અસામાજીક તત્વો અને મિલકત સબંધી ગુનામા તેમજ જુગાર અને દારૂમા સંડોવાયેલા શખ્સોનો સમાવેશ કરવામા આવ્યો છે.
સરકાર દ્વારા લેવામા આવેલા આ નિર્ણય બાદ રાજયની તમામ પોલીસ જાગી હતી અને હવે તમામ જીલ્લામા મધરાતે ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા નાં આદેશ બાદ પેરોલ ફર્લો સ્કવોડ, એલસીબી ઝોન 1 અને ર , ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહીતનો પોલીસ કાફલો સોમવારે રાત્રે 8 થી 11 વાગ્યા સુધી રૈયાધાર, ભગવતીપરા, જંગલેશ્ર્વર, રૂખડીયાપરા અને પોપટપરા વિસ્તારમા કોમ્બીંગ કર્યુ હતુ અને દેખાતા વાહનો પણ ચેક કર્યા હતા. તેમજ રાત્રે દારૂ ઢીચીને નીકળી પુરઝડપે વાહન ચલાવતા શખ્સોને અટકાવવા માટે મુખ્ય માર્ગો પર આડા અવળા વાહન ચલાવતા શખ્સોને રોકી કાર્યવાહી કરી હતી. તેમજ સંવેદનશીલ વિસ્તારોની સોસાયટીઓમા પહોંચી લોકોને પોલીસે કહયુ કે તમારા વિસ્તારમા અસામાજીક તત્વોની હેરાનગતી તેમજ રાત્રે સોસાયટીમા મોડી રાત સુધી બેસતા તત્વોની હેરાનગતી હોય તો તુરંત 100 નંબર પર પોલીસને જાણ કરો. તમારુ નામ ગુપ્ત રાખવામા આવશે અને આવા પેધી ગયેલા અસામાજીક તત્વોથી ડરવાની કોઇ જરૂર નથી. તેને અમે સીધા દોર કરી દેશુ.