નિવૃત્ત શિક્ષકને મદદના બહાને ATM કાર્ડ બદલી ગઠિયાએ 2.50 લાખ ઉપાડી લીધા
રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ સામે બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા નિવૃત્ત શિક્ષકને ગઠીયો ભટકાયો હતો અને પૈસા ઉપાડી આપવાના બહાને કાર્ડ બદલી ગઠીયાએ નિવૃત્ત શિક્ષકના અઢી લાખ ઉપાડી લઈ વિશ્ર્વાસઘાત કરતાં માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે ફરિયાદ નોંધી હતી. આ ઘટના એક મહિના પૂર્વે બની આમ છતાં પોલીસે શિક્ષકની ફરિયાદ મોડી લેતાં નિવૃત્ત શિક્ષકે રોષ ઠાલવ્યો હતો.
વધુ વિગતો મુજબ, 150 ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે રોયલ એલીગેંન્સમાં રહેતા હર્ષકાંતભાઈ શિવરામભાઈ દેસાણી (ઉ.63) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અગાઉ સરકારી શાળાના શિક્ષક હતાં અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે તેઓ ગત તા.9-5નાં રોજ રાત્રીનાં સમયે 150 ફુટ રીંગ રોડ બાલાજી હોલ સામે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ ખાતે રૂપિયા ઉપાડવા માટે ગયા હતાં. આ સમયે એટીએમમાં અન્ય ત્રણ થી ચાર વ્યક્તિ હાજર હતાં. આ સમયે હર્ષકાંતભાઈએ પોતાનું એટીએમ કાર્ડ મશીનમાં નાખી રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરતાં પૈસા ઉપડયા ન હતાં અને આ સમય દરમિયાન તેમની બાજુમાં ઉભેલા અજાણ્યા વ્યક્તિએ કે જેણે સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો અને તેમની ઉંમર અંદાજીત 25 વર્ષની હતી. તેણે હર્ષકાંતભાઈને કહ્યું કે તમારા એટીએમનો પાસવર્ડ ખોટો છે જેથી બીજો પાસવર્ડ સેટ કરવો પડશે અને તમારા મોબાઈલમાં ઓટીપી આવશે જે ઓટીપી આપશો એટલે નવો પાસવર્ડ બનાવી હું તમને રૂપિયા ઉપાડી આપીશ.
ત્યારબાદ આ અજાણ્યા શખ્સે આ તમામ પ્રોસેસ કરી હતી પરંતુ રૂપિયા ઉપડયા ન હતાં અને આ શખ્સ એટીએમ કાર્ડ પરત આપી જતો રહ્યો હતો. ત્યારબાદ 13-5નાં રોજ ગોંડલ રોડ પર આવેલા બેંક ઓફ બરોડાની શાખામાં ખાતાની પાસબુકમાં એન્ટ્રી કરાવતાં હર્ષકાંતભાઈને જાણ થઈ કે તેમના બેંક ખાતામાંથી એટીએમ કાર્ડ દ્વારા 9-5નાં રોજ 10 હજાર, 10-5નાં રોજ 10 હજાર એમ અલગ અલગ ટ્રાન્જેકશન થઈ કુલ રૂા.2.50 લાખના ટ્રાન્ઝેકશન થયાનું જાણવા મળ્યું હતું.
જેથી ત્યાં હાજર બેંક મેનેજરને જાણ કરતાં તેણે તથા ત્યાં હાજર બેંકના કર્મચારીઓ હર્ષકાંતભાઈનું એટીએમ કાર્ડ માંગ્યું હતું અને તેઓને એટીએમ કાર્ડ આપતાં તેઓએ જણાવ્યું હતું કે આ તમારું એટીએમ કાર્ડ નથી કોઈ વિનોદભાઈ રણછોડભાઈના નામનું એટીએમ કાર્ડ છે જેથી હર્ષકાંતભાઈએ પોતાનું એટીએમ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. ત્યારબાદ પોલીસ સ્ટેશને ગયા ત્યાં પોલીસે ધક્કા ખવડાવી એક મહિને ફરિયાદ લીધી હતી. તેમજ હર્ષકાંતભાઈએ રોષ ઠાલવતાં કહ્યું હતું કે પોલીસ દ્વારા અવારનવાર ધક્કા ખવડાવવામાં આવતાં હતાં. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.