સિવિલમાં દર્દીના ખિસ્સામાંથી મોબાઇલ ચોરતા ગઠિયાને રંગે હાથ ઝડપી લીધો
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દી અને તેના પરિવારજનોના મોબાઇલ અને કિંમતી માલ સામનની તફડંચી થવાના બનાવો બનતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં સિવિલમાં દવા લેવા આવેલા મોટી મોલડી ગામના પ્રૌઢના ખીસ્સામાંથી ગઠીયાએ મોબાઇલની તફડંતચી કરવા જતા સિક્યુરીટી સ્ટાફ દ્વારા તેને રંગેહાથ ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યો હતો. બનાવને પગલે ઇમરજન્સી વોર્ડ પાસે લોકોના ટોળા એકઠા થયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા હિરાભાઇ આલાભાઇ પરમાર (ઉ.વ.60) નામના પ્રૌઢ આજે સવારે પોતાને હૃદયની તકલીફ હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્ય હતા. તેઓ ઇમરજન્સી વિભાગમાં હતા ત્યારે એક શખ્સે તેના ખીસ્સામાંથી મોબાઇલ કાઢી લઇ ભાગવા જતો હતો ત્યારે જ દર્દીએ રાડ પાડતા ઇમરજન્સી વોર્ડમા હાજર સિક્યુરીટી સ્ટાફ દ્વારા મોબાઇલની તફડંચી કરનાર શખ્સને દબોચી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં આરોપીનું નામ રાહુલ રાજુ સોલંકી (રહે. કાળાસર ગામ તા.ચોટીલા) હોવાનું અને તે તેની પત્ની સાથે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સિક્યુરીટી સ્ટાફ દ્વારા તેને પકડી પાડી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ મોબાઇલ તફડાવનાર રાહુલ સોલંકીને પોલીસ સ્ટેશન લઇ જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.