દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી
દ્વારકામાં બે શખ્સોએ ગૌવંશને હથિયારો વડે મારી, અને તેના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધાના જઘન્ય બનાવમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં હાથી ગેટની સામેના વિસ્તારમાં રહેતા પરસોતમ ઉર્ફે મનસુખ ઉર્ફે ટુકડો વેલજીભાઈ પરમાર અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા દીપક કરસન સોલંકી નામના બે શખ્સો દ્વારા ગૌવંશનું કોઈ પણ તીક્ષ્ણ હથિયાર કે શસ્ત્ર વડે મોતની નીપજાવી અને તેના ટુકડા તથા પગના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે ગૌ પ્રેમીઓમાં રોશની લાગણી ફેલાવી છે.
છરી બતાવીને ધમકી
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા મેઘરાજ હાજાભા ભગાડ નામના 23 વર્ષના યુવાન ગત તારીખ 14 ના રોજ ભીમરાણા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરે હતા. ત્યારે કાળા કલરની હેરિયર ગાડીમાં આવેલા મહાવીરસિંહ જયેન્દ્રસિંહ વાઢેર (રહે. ભીમરાણા) એ ફરિયાદી મેઘરાજને પહેલ કે તું અને તારો બાપ મારી અને પરબતભા કનુભા માણેક વચ્ચેની માથાકૂટમાં કેમ રસ લ્યો છો? તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
દારૂૂ સાથે ઝડપાયો
દ્વારકામાં આવળપરા વિસ્તારમાં રહેતા રવિ મહેન્દ્રભાઈ માલવી નામના 34 વર્ષના કુંભાર શખ્સને પોલીસે વિદેશી દારૂૂના ચાર ચપલા સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી. ઓખાના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સીદીયાભા આશપારભા માણેક નામના 29 વર્ષના શખ્સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.
ભાણવડ, કલ્યાણપુરમાં બે આસામીઓ સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
ભાણવડના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા સુમિતાબેન ધર્મેશભાઈ રાવલિયા (ઉ.વ. 44) એ પોતાની માલિકીની દુકાન તથા વાળો પરપ્રાંતિય આસામીને ભાડે આપી સ્થાનિક પોલીસને જાણ કરી ન હતી. આ જ રીતે કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા નામના યુવાને પોતાનું મકાન ભાડુઆતને આપીને આ ભાડુઆતના આધાર પુરાવા સ્થાનિક પોલીસમાં જમા ન કરાવતા આ અંગે પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ બંને સામે કાર્યવાહી કરી હતી.