કનસુમરાના ટ્રસ્ટમાં નાણાકીય ગોલમાલ કેસમાં નવ ટ્રસ્ટીઓના આગોતરા જામીન રદ
જામનગર નજીકના કનસુમરા ગામમાં આવેલા ટ્રસ્ટના કરોડો રૂૂપિયાની ગોલમાલ અંગે પોલીસમાં ફરિયાદ થયા પછી ટ્રસ્ટના નવ ટ્રસ્ટીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે. જામનગર નજીક કનસુમરા ગામમાં આવેલી ગ્રામ સમસ્ત માલિકીની અવેડીયા તરીકે ઓળખાતી ર1 એકર જમીન ત્રણ દાયકા પહેલાં સંપાદનમાં જતાં જે તે વખતે ટ્રસ્ટના ખાતામાં રૂૂ.રર કરોડની રકમ જમા કરાવવામાં આવી હતી. તે રકમ કનસુમરાના વિકાસ માટે વાપરવાના આયોજન માટે ગ્રામજનો દ્વારા જે તે સમયે ટ્રસ્ટ રચવામાં આવ્યું હતું.
તે દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષમાં ટ્રસ્ટીઓએ અનેક સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ કરોડો રૂૂપિયા અન્ય ટ્રસ્ટમાં ડોનેટ કરી દેવાયા હતા અને જુદા જુદા ખર્ચ બતાવી કરોડોની રકમ ખર્ચ કરી નાખવામાં આવી હતી. તેથી ઈરફાન ઈસ્માઈલ ખીરા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ અન્વયે પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી આશંકાથી ટ્રસ્ટી અકરમ સલીમ ખીરા, અકરમ ઈયુબ ખીરા, અલ્તાફ જુસબ ખીરા, આમદ મામદ ખીરા, ઈકબાલ હારૂૂન ખીરા, ઈસ્માઈલ હાસમ ખીરા, વલીમામદ દોસમામદ ખીરા, હુસેન સુલતાન ખીરા અને હનીફ અલારખા ખીરાએ આગોતરા જામીન અરજી કરી હતી. તે અરજી સામે મૂળ ફરિયાદીના વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા તથા પીપી દીપક ત્રિવેદી દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે તમામ ટ્રસ્ટીની આગોતરા જામીન અરજી રદ્દ કરી છે.
