For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડ્યું, લોકોના ટોળા ઉમટ્યા

01:45 PM Dec 23, 2024 IST | Bhumika
અમદાવાદમાં અસામાજિક તત્વોએ ડૉ આંબેડકરની પ્રતિમાનું નાક તોડ્યું  લોકોના ટોળા ઉમટ્યા

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટનાસ્થળે પહોંચીને આવાં અસામાજિક તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે.

સ્થાનિકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટીએ. સાથે જે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. હાલ તો ડો. બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે. એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

આંબેડકરની પ્રતિમાનું નાક તોડ્યું મળતી માહિતી મુજબ શહેરના ખોખરા વિસ્તારમાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ અંગે અમરાઇવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું કે ખોખરામાં જયંતી વકીલની ચાલી પાસે વહેલી સવારે કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ડો. બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે.
મારું એમ માનવું છે કે જે પ્રમાણે સંસદમાં ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ ભારતમાં જે પ્રમાણે આંદોલન થઇ રહ્યાં છે તે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક હીન કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું દેખાઇ રહ્યું છે.

24 કલાકમાં આરોપી પકડાઇ જશે: ભાજપ ધારાસભ્ય
24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોને તેઓએ ખાતરી આપી હતી કે 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે. સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. રહીશોની જે માગ છે કે પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ફરીથી આનાથી સારી પ્રતિમાને મૂકી અને તેનું અનાવરણ કરવામાં આવશે. આ કોઈ પક્ષનો વિષય નથી બાબાસાહેબ આંબેડકર તમામ લોકોના છે. જલદીથી જલદી કાર્યવાહી થાય તેના માટે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને પોલીસ સાથે પણ ચર્ચા કરી છે. તેમને ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement