હાલારનો વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો: 1.80 લાખ ગુમાવ્યા
રાજકોટની યુવતી લગ્ન કર્યા બાદ બે દિવસ રોકાઇ પરિણીત હોવાનું કહી પરત ફરી
લૂંટેરી દુલ્હન, મેંરેજ બ્યુરો સંચાલિકા અને વચેટિયા સહિત 6 સામે છેતરપિંડીની ફરિયાદ
જામનગર નો એક વિપ્ર યુવાન રાજકોટની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે, અને રૂૂપિયા 1 લાખ 80 હજાર ગુમાવ્યા છે. લુટેરી દુલ્હન બે દિવસના રોકાણ બાદ પોતે પરણિત છે, અને અહીં રોકાવું નથી, નહીંતર આપઘાત કરી લઈશ તેવો ડર બતાવી રાજકોટ પરત ચાલી ગઈ હતી. આથી લૂંટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર જામનગરના મેરેજ બ્યુરો સંચાલીકા મહિલા તેમજ રાજકોટના વચેટિયાઓ સહિત કુલ છ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 માં રહેતા અને દવાની કંપનીમાં એમ આર તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ ગુણવંતરાય ખેતિયા નામના 46 વર્ષના વિપ્ર યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરી રૂૂપિયા 1 લાખ 80 હજાર પડાવી લેવા અંગે રાજકોટની લૂંટેલી દુલ્હન નૂરી તેમજ જામનગરના મેરેજ બ્યુરો સંચાલક મહિલા નીતાબેન ખેતિયા, ઉપરાંત રાજકોટના વચેટિયા મુકેશભાઈ મકવાણા, સબીરભાઈ નાગોરી, અને લૂંટેરી દુલ્હનના ભાઈ અને ભાભી સહિત 6 સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી જીગ્નેશભાઈ ખેતીયા કે જે પોતે પરણીત હતા પરંતુ તેના પત્ની સાથે છૂટાછેડા થઈ જતાં તે ના બે સંતાનો હાલ પોતાની સાથે રહે છે, જેની સાર સંભાળ તેમજ માતા ની પણ સાર સંભાળ રાખવા માટે પોતાને ફરીથી લગ્ન કરવા હોવાથી બીજા લગ્ન કરવા માટે જામનગરમાં મધુરમ રેસીડેન્સીમાં રહેતા મીતાબેન ખેતિયા નો સંપર્ક કર્યો હતો, અને રાજકોટની નુરી નામની યુવતી કે જે પોતે પંજાબી છે તેવી ઓળખાણ આપીને તેની સાથે રૂૂપિયા 1 લાખ 80 હજાર માં સોદો કરીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
મીતાબેને રાજકોટના મુકેશભાઇ ભીખાભાઈ મકવાણા, સબીરભાઈ નાગોરી વગેરે ના સંપર્કથી નૂરી સાથે લગ્ન નું ગોઠવ્યું હતું, અને એકબીજાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં નૂરીબેન ના ભાઈ ભાભી પણ જોડાયા હતા.
ગત 25.5.2025 ના સાંજે તમામ લોકો રાજકોટ થી જામનગર આવ્યા હતા, અને જીગ્નેશભાઈ સાથે નુંરી ના રજીસ્ટર મેરેજ કરાવી આપ્યા હતા, ઉપરાંત મંદિરમાં પણ લગ્ન વિધિ સંપન્ન કરી હતી, અને 1.80 લાખ ના ભાગ પાડી લીધા હતા. જેમાં મીતાબેન ને 20,000 રૂૂપિયા મળ્યા હતા ઉપરાંત મુકેશભાઈએ 1,20,000 રાખ્યા હતા બાકીની રકમ નુરી તથા તેના ભાઈ ભાભી ને આપી દેવાઇ હતી.
નુરી બેન જામનગરમાં પત્ની તરીકે બે દિવસ રોકાયા બાદ ખાવા પીવાનું બંધ કર્યું હતું અને પોતે પરણીતછે અને અહીં નથી રહેવું, તેવા નાટક કરી આખરે મરી જવાનો ડર બતાવી રાજકોટ ચાલી ગઈ હતી.
જીગ્નેશભાઈ એ પોતાને લગ્ન કરાવી દેનાર મીતાબેન ઉપરાંત રાજકોટના મુકેશ મકવાણા અને સબીરભાઈ નાગોરી વગેરેનો સંપર્ક કર્યો હતો. જેમાં નુરીએ અને તેના ભાઈ ભાભી સહિતના લોકોએ રૂૂપિયા પરત આપવાનો ઇનકાર કરી દેતા, રૂૂપિયા આપવા માટે ના નાટકો ચાલ્યા હતા. દરમિયાન જીગ્નેશભાઈ ને 1 લાખ નો એક ચેક અપાયો હતો, અને પોતે જામનગર આવી ગયા હતા.
જે ચેક બેંકમાં નહીં નાખવા માટે પણ ઉપરોક્ત તમામ દ્વારા ધમકીઓ અપાઈ હતી, અને આખરે ગઈકાલે જીગ્નેશભાઈ પોતાની સાથે છેતરપિંડી થી લગ્ન કરવા અંગે રાજકોટની લૂંટેરી દુલ્હન નૂરી તથા જામનગર ના મિતાબેન ખેતીયા વગેરે સહિત છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પી એસ આઈ જે પી સોઢા અને રાઈટર રાણાભાઇ આંબલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે અને તપાસનો દૂર રાજકોટ સુધી લંબાવ્યો છે.