વધુ એક કાંડ ! અમદાવાદ-સુરતમાં લેવાયેલ વકીલાતની સનદની પરીક્ષાનું પેપર ફૂટ્યું
ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા રવિવારે (22મી ડિસેમ્બર) સનદની પરીક્ષા લેવાઈ હતી. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. અમદાવાદ અને સુરતમાં લેવાયેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. રવિવારે સવારે 10થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ 10.30થી 11 વાગ્યા વચ્ચે વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે. આ પરીક્ષા અમદાવાદ, સુરત કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી.
ગુજરાતમાં અમદાવાદ, સુરતના કેન્દ્રો પરથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ લેવામાં આવી હતી. જેમાં આશરે 9 હજારથી વધુ વકીલ ઉમેદવારો પરીક્ષા આપી હતી. અમદાવાદ છ જુદા જુદા મથકો પર પરીક્ષા લેવામાં આવી હતી.
આ પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઈપણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી શકે છે. બે વર્ષમાં બીસીઆઇની આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેકટીસ માટે કામચલાઉ સનદ(પ્રોવિઝનલ સનદ) આપવામાં આવે છે.
આ પરીક્ષામાં ભારતીય ફોજદારી ધારો, ક્રિમિનલ પ્રોસીજર કોડ, સિવિલ પ્રોસીજર કોડ, હિન્દુ લો, મુસ્લિમ લો, ટ્રાન્સફર ઑફ પ્રોપર્ટી, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍકટ, ગ્રાહક સુરક્ષા ધારો, લેબર લો સહિતના 20 જેટલા વિષયો પર પ્રશ્નપત્ર પૂછાતાં હોય છે.