વધુ એક ગેરકાયદેસર હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ, 9ની ધરપકડ
ઉત્તરપ્રદેશના એજન્ટ મારફતે ગુજરાતના અનેક શોખીનોએ 7 લાખથી 11 લાખ રૂપિયામા નકલી હથિયાર લાઈસન્સ મેળવ્યાનો ઘટસ્ફોટ
ગુજરાત એટીએસએ નાગાલેન્ડ અને મિઝોરમમાંથી હથિયારનાં બનાવટી લાયસન્સ રેકેટનો પર્દાફાસ કર્યો હતો, જેમાં કુલ 65 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી તેવામાં હવે ઉત્તરપ્રદેશમાંથી બનાવટી હથિયાર લાયસન્સ અને હથિયાર વેચાણનું રેકેટ ઝડપાયું છે, રૂૂપિયાનાં જોરે કોઈ પણ અરજી કર્યા વિના જ લાયસન્સ અને હથિયાર મેળવનાર શખ્સોની ધરપકડ કરાઈ છે. શિક્ષક સહીત 9 ની ધરપકડ કરી એટીએસે વધુ તપાસ શરૂ કરી છે. ઉતરપ્રદેશનાં એજન્ટ મારફતે અરજી કર્યા વગર 7 લાખથી 11 લાખમા આ નકલી હથીયાર લાયસન્સ કાઢી આપવામા આવતુ હતુ.
ગુજરાતમાં યુવાવર્ગમાં હથિયારો રાખવાનું ચલણ દિવસે ને દિવસે વધતુ જોવા મળી રહ્યું છે, દર મહિને અનેક યુવાનો જિલ્લા કલેક્ટર અથવા તો પોલીસ કમિશનર કચેરીએ હથિયારનાં લાયસન્સ માટે અરજીઓ કરે છે અને હથિયારનાં લાયસન્સ મેળવી હથિયારો રાખે છે, જોકે જેમને કોઈ પણ કારણસર લાયસન્સ મળી શકતા નથી તેવા લોકો કોઈ પણ ભોગે હથિયાર રાખવા માટે અન્ય રાજ્યોનાં એજન્ટો પાસેથી હથિયારનાં બનાવટી લાયસન્સ મેળવી તેનાં આધારે હથિયારો ખરીદે છે, તેવામાં ગુજરાત એટીએસએ આ જ પ્રકારનાં એક રેકેટને પકડી પાડ્યું છે. એટીએસને માહિતી મળી હતી કે ઉત્તરપ્રદેશનમાં એટા જિલ્લાનાં શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંગ ઠાકુર નામનાં વચેચિયા થકી ત્યાનાં દેવકાન્ત પાંડે નામનાં શખ્સ પાસેથી અમુક શખ્સોએ હથિયાર અને તેનાં લાયસન્સ ખરીદ્યા છે, જે માહિતીનાં આધારે પહેલા 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે મુકેશસિંહ ચૌહાણ, અભિષેક ત્રિવેદી, વેદપ્રકાશસિંહ, રાજેન્દ્રસિંહ સાંખલા, અજય સેંગર, શોલેસિંહ સેંગર, વિજયસિંહ સેંગરની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી એટીએસએ 3 રિવોલ્વર અને 4 પિસ્ટલ સહિત 285 રાઉન્ડસ કબ્જે કર્યા છે. આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે વર્ષ 2015 થી અમુક આરોપીઓ પાસે હથિયાર અને તેનાં લાયસન્સ હતા.
આરોપીઓની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે તેઓએ લાયસન્સ મેળવવા માટે ઉત્તરપ્રદેશનાં એટાનાં કલેક્ટર કચેરીમાં કોઈ અરજી પણ કરી નથી, આરોપીઓનો સીધો સંપર્ક દેવકાન્ત પાંડે સાથે થયો હતો, જે ત્યાં વકિલાત કરે છે, તે શખ્સ 5 લાખથી લઈને 11 લાખ રૂૂપિયા લઈને આ હથિયાર અને તેનું લાયસન્સ પોતાની ઓફિસમાં બોલાવીને આપી દેતો હતો. તેવામાં આ લાયસન્સ ખરા છે કે બનાવટી તેને લઈને પણ આરોપીઓની પુછપરછ પોલીસે હાથ ધરી છે. આરોપીઓમાંથી વિજય સેંગરનો હાલમાં જ ફાયરિંગ કરતો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જોકે તેની તપાસમાં જ આ રેકેટ પકડાયુ હોવાની ચર્ચા છે. આ ગુનામાં સંડોવાયેલા બે વચેટિયા શ્યામસિંહ ઠાકુર અને હિંમતસિંહ રાજપુતની અમદાવાદથી ધરપકડ કરી છે, જોકે માસ્ટર માઈન્ડ હજુ પણ ફરાર છે.
આરોપીની વધુ તપાસમાં સામે આવ્યું કે આ દેવકાન્ત પાંડે પાસેથી ગુજરાતનાં અનેક લોકોએ વર્ષ 2019 થી 2022 સુધીનાં સમયગાળામાં હથિયારનાં લાયસન્સ અને હથિયારો ખરીદ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી મુકેશસિંહ કુશવાહે 7 લાખમાં, અભિષેક ત્રિવેદીએ 5 લાખમાં, વેદપ્રકાશસિંહે 11 લાખમાં, રાજેન્દ્રસિંહે 7 લાખમાં, અજય સેંગરે 7 લાખમાં, શોલેસિંહ સેંગરે 11 લાખમાં અને વિજય સેંગરે 5.50 લાખમાં લાયસન્સ અને હથિયાર ખરીદ્યા હતા. આરોપી મુકેશ ચૌહાણ સામે 5 ગુનાં જ્યારે અજય સેંગર સામે 3 અને શોલેસિંહ સેંગર સામે એક ગુનો નોંધાયેલો છે, તેવામાં મુખ્ય આરોપીનાં પકડાયા બાદ તેણે આ રીતે કેટલા લોકોને હથિયારો અને બનાવટી લાયસન્સ આપ્યા તેનો ખુલાસો થશે.