જૂનાગઢના માસ્ટર માઇન્ડ પિતા-પુત્ર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિટાચી મશીન અપાવવાના બહાને 20.20 લાખ પડાવ્યા
જૂનાગઢમાં છેતરપિંડીના એક વધુ કિસ્સામાં, શહેરના મુન્ના મીર અને તેના પુત્રો વિરુદ્ધ 20.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આ પિતા-પુત્રોએ અગાઉ પણ આવા જ ગુના આચર્યા છે. આ વખતે, તેઓએ ફરિયાદીને 43 લાખનું હિટાચી મશીન આપવાનો સોદો કર્યો હતો. મશીન આપવાના બહાને તેમણે ફરિયાદી પાસેથી 20.20 લાખ પડાવી લીધા હતા. ફરિયાદી અમિતભાઈ પરમારે જુનાગઢના રહેવાસી મુન્ના મીર, નવાજ મુન્ના મીર અને નદીમ મુન્ના મીર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એકવાર આ પરિવારની ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે.કુતિયાણાના રહેવાસી અમિત કેશુભાઈ પરમાર (ઉ.વ. 32)એ જુનાગઢના રહેવાસી મુન્ના મીર, નવાજ મુન્ના મીર, અને નદીમ મુન્ના મીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ સબકા માલિક એક અર્થ મૂવર્સ નામથી જૂના ખોદકામના મશીનોની લે-વેચનો ધંધો કરે છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદી અને સાહેદને તેમના ફોનમાં જૂના હિટાચી મશીનના ફોટા બતાવીને ગ્વાલિયર ખાતે મશીન તેમના કબજામાં હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આરોપીઓએ આ મશીનનો સોદો 43,00,000માં નક્કી કર્યો હતો. દલાલી પેટે 2,00,000 આપવાનું નક્કી થયું હતું. સોદા મુજબ, ફરિયાદીએ 15,00, 000 અગાઉથી આપવાના હતા અને બાકીના પૈસા મશીનનો કબજો મળ્યા બાદ 1,00,000ના 28 હપ્તામાં ચૂકવવાના હતા.
આરોપીઓએ ફરિયાદી અને સાહેદ પાસેથી ટોકન પેટે 5,00,000 લીધા હતા અને તેમને ગ્વાલિયર બોલાવ્યા હતા. ત્યાં મશીનના પેટે 10,00, 000 રોકડા અને દલાલી પેટેના 2,00,000 પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં, આરોપીઓએ મશીન ટ્રકમાં ભરવા જવાનું કહીને વીડિયો કોલ પર પોતાની સાથે મારામારી થઈ હોવાનું અને પોતે લોહીલુહાણ થઈ ગયા હોવાનું નાટક કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ફાઇનાન્સ કંપની મશીન લઈ ગઈ છે. ત્યારબાદ, મશીન છોડાવવા માટે વધુ 3,20,000 બેંક ખાતા મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ, આરોપીઓએ હિટાચી મશીન કે આપેલા પૈસા પરત ન આપીને ફરિયાદી સાથે કુલ 20,20,000ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. સી-ડિવિઝનના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ દિવસ પહેલા સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીને સસ્તું જીસીબી આપી 11 લાખથી વધુની છેતરપિંડી આચાર્યની ફરિયાદ નોંધાઈ હતી.