આંગડિયો નાસ્તો કરવા ઉતર્યો ને બસમાંથી દોઢ કિલો સોનાની બેગ લઇ ગઠિયા ફરાર
અમદાવાદ-પાલનપુર હાઈવે પર એક મોટો લૂંટનો બનાવ બન્યો છે. દોઢ કિલોથી વધુના સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર ઉભી રહેલી બસમાંથી અચાનક જ બે અજાણ્યા શખ્સોએ સોનું ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી. લૂંટ કરવાની વિગતો સામે આવતા જ એસપી અને કઈઇ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અમદાવાદનો આંગડિયા પેઢીનો કર્મચારી રાજસ્થાન સોનું આપવા જઈ રહ્યો હતો. અમદાવાદથી રાજસ્થાન જતી બસમાં કર્મચારી સોનાની ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન અમદાવાદ-પાલનપુર હાઈવે પર છાપીના ભરકાવાડાના પાટિયા પાસે બસે હોલ્ટ કર્યો હતો. જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રીરામ નામની હોટલમાં ગયો હતો. જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન બે લૂંટારુઓએ બેગની લૂંટ કરીને ભાગી ગયા હતા.
આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે, પહેલા લૂંટારા દોડીને બસમાં ચડ્યા હતા. થોડી વાર રહીને બેગ લઈને બંને લૂંટારા બસમાંથી ઉતરીને ભાગ્યા હતા. બેગ નથી એ ધ્યાનમાં આવતા જ કર્મચારી પણ તેની પાછળ દોડ્યો હતો.
માહિતી એવી પણ મળી રહી છે કે, લૂંટ કરનાર બંને શખ્સો સોનાનું ભરેલું બેગ લઈ થયા પાલનપુર તરફ ફરાર થયા છે. કરોડોની કિંમતનું લૂંટેલું સોનુ લઈ પલ્સર બાઈક લઈને આવીને ભાગી ગયા તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ ઘટનાની જાણ થતાં એસપી અને એલસીબી અને ક્રાઈમની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં સીસીટીવીની મદદથી પોલીસની ટીમ હાલ તપાસ કરી રહી છે.