અમદાવાદમાં ધોળા દિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, આંખમાં મરચાની ભૂકી નાંખી 65 લાખની લૂંટ ચલાવી
અમદાવાદમાંથી આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ થઈ છે. લૂંટારુઓએ ઓટો રીક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાની ભૂકી છાંટીને આંગડિયા પેઢીના કર્મચારીને ધોળે દિવસે લૂંટી લીધો છે. આર કાંતિલાલ આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે આ ઘટના બની છે. આંગડીયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું કે લુંટારુઓ પાસે એરગન હતી.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં જીમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લાખો રૂપિયાની રોકડ લઈને રીક્ષામા પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી નાખીને 65 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
થોડા સમય પહેલા ગાંધીનગર CID ક્રાઈમે રાજ્યભરમાંથી 25 આંગડિયા પેઢી પર ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી હતી.