નંદી પાર્કમાં શિક્ષક દંપતીના ઘરે રૂા.10.85 લાખની ચોરીમાં હરિયાણાની તસ્કર ગેંગનો સાગ્રીત ઝડપાયો
ચોરીના કેસમાં સુરત કોર્ટ મુદતે આવ્યા બાદ રાજકોટ ચોરી કરી નાસી ગયા, રોકડ લઇ ગેંગના અન્ય ત્રણ સભ્યો ફરાર
રાજકોટના નંદી પાર્કમાં આવેલા અપૂર્વા એપાર્ટમેન્ટમાં રહેતાં શિક્ષક દંપતીના ઘરે થયેલી 10.85 લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી હરિયાણાના જજજરના તસ્કર ની ધરપકડ કરી તેના અન્ય ત્રણની શોધખોળ શરુ કરી છે.
અપૂર્વા એપાર્ટમેન્ટમાં રહેતા અને પત્ની સાથે એસએનકે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા લેઝલીભાઈ ચાંદેકરના બંધ ફલેટમાંથી ગઈ તા.30ના રોજ ધોળા દિવસે રૂૂા. 10.85 લાખની મત્તાની ચોરી થઈ હતી. જેનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લઈ હરિયાણાના જજજરના સંદીપ ઓમપ્રકાશ ધનખડ (ઉ.વ.35)ની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની જાણવા મળ્યું કે સંદીપ સુરત અને વડોદરામાં ચોરીના 3 ગુનામાં અગાઉ પકડાયો હતો. જેમાં સુરતમાં નોંધાયેલા ગુનામાં તેની કોર્ટમાં તારીખ હતી. તેના સાગરીતની પણ તારીખ હતી. જેથી તે તેના સાગરીત અને અન્ય બે મિત્રો સાથે કોર્ટ મુદતે સુરત આવ્યો હતો. જયાંથી ચોરી કરવાના ઈરાદે રાજકોટ પહોંચ્યા હતા. નંદી પાર્કમાં આંટાફેરા કરતા હતા ત્યારે લેઝલીભાઈનું બંધ મકાન ધ્યાનમાં આવતા 10.85 લાખની મત્તાની ચોરી કરી જતા રહ્યા હતા.
સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સોર્સિસના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.વી. ચુડાસમા અને તેની ટીમે ચારેય તસ્કરોની ઓળખ મેળવી લઈ તેમાંથી સંદીપને ઝડપી લીધો હતો. બાકીના ત્રણેય તસ્કરો દિલ્હી રહે છે. જે હજૂ હાથમાં આવ્યા નથી. જોકે ક્રાઈમ બ્રાંચને હજૂ સુધી ચોરીનો મુદ્દામાલ હાથ લાગ્યો નથી. ભાગી ગયેલા દિલ્હીના તસ્કરો પાસે મુદ્દામાલ હોવાનું ક્રાઈમ બ્રાંચનું કહેવું છે.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એસ.વી.ચુડાસમાં, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, એ.એસ.ગરચર અને તેમની ટીમે કામગીરી કરી હતી.