એલટેક કંપનીમાંથી કારીગરે 24.80 લાખનો માલ બારોબાર વેચી માર્યો
હાર્ડવેર ફેકટરીમાંથી કારીગર જ સાતેક મહિનાથી થોડો-થોડો ઝીંક ધાતુનો કાચો માલ લઇ જતો હતો
વેપારીએ કાયમી કારીગર સામે ઉચાપત કર્યાની પોલીસમાં નોંધાવી ફરિયાદ
રાજકોટ શહેરમાં આજી વસાહતમાં આવેલી નામાંકીત એલટેક હાર્ડવેર નામની કંપનીમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીએ કંપનીમાં આવતા ઝીંક ધાતુનો કાચો માલ 4862 કિલોગ્રામ રૂા. 17.98 લાખ અને મેન્યુફેકચરીંગ કરેલો 974 કિલોગ્રામ માલ રૂા. 6.81 લાખ એમ કુલ 24.80 લાખના કાચા માલની ઉચાપત કરતા વેપારીએ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આ મામલે કાયમી કારીગરને સકંજામાં લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ શહેરના આજી વસાહતમાં 80 ફુટ રોડ પર આવેલી એલટેક કંપનીના ભાગીદાર જગદીશભાઇ ચતુરભાઇ લુણાગરીયા (ઉ.વ. 40) એ પોતાની ફરીયાદમાં નવા થોરાળા ગોકુલપરાની બાજુમાં આવેલી વિનોદનગરમાં રહેતા હેમંત મનસુખ સાગઠીયા સામે ઉચાપત કર્યાની ફરીયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ ડી સ્ટાફના પીએસઆઇ સી. વી. ચુડાસમા કરી રહયા છે. આ ઘટનામાં આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે. જગદીશભાઇએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ ભાગીદારીમાં એલટેક નામની હાર્ડવેર મેન્યુફેકચરીંગ પેઢી 2012 ની સાલથી ચલાવી રહયા છે. આ કંપનીમાં ગુજરાત રાજયની બહાર ઓર્ડર મુજબનો માલ મોકલવામાં આવે છે. તેમજ આ કંપનીમાં ઝીંક મેટલના દરવાજાના હેન્ડલની મેન્યુફેકચરીંગ કરવામાં આવે છે. કંપનીમાં કુલ 6 કારીગરો કાયમી છે. તેમજ 1પ મહીલા કર્મચારીઓ પણ કામ કરે છે.
એલટેક કંપનીમાં ઝીંક ધાતુનો કાચો માલ બહારથી મંગાવી મેન્યુફેકચરીંગ કરી દરવાજાના અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે તેમજ દર વર્ષે માર્ચ મહીનામાં હિસાબ કિતાબ કરવામાં આવતા હોય છે. આ કંપનીમાં ગયા માર્ચ મહીનામાં હિસાબ કિતાબ કરવામાં આવતા હિસાબ બરાબર આવ્યો હતો. ત્યારબાદ ગયા દિવાળી તહેવાર પહેલા કંપનીમાં ઝીંક ધાતુનો કાચો માલ અને મેન્યુફેકચરીંગ કરેલ માલ એમ કુલ 24.80 લાખ રૂપિયાના માલની ઘટ આવી હતી. આ મામલે ભાગીદારોને વાત કરી તપાસ કરતા આ કંપનીમાં કાયમી કર્મચારી તરીકે કામ કરતા વિનોદનગર શેરી નં ર મા રહેતા હેમંત મનસુખભાઇ સાગઠીયા નામના શખ્સે છેલ્લા છ થી સાત મહીના દરમ્યાન થોડો થોડો ઝીંક ધાતુ અને મેન્યુફેકચરીંગ માલ બહાર લઇ જઇ ઉચાપત કર્યાની જાણ થતા તેમના વિરૂધ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ એન. જી. વાઘેલા અને સ્ટાફે તપાસ શરૂ કરી આરોપી હેમંત સાગઠીયાને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
હેમંતના પરિવારે નુકસાની ભરપાઇ કરવાની ખાતરી આપ્યા બાદ હાથ ઊંચા કરી દીધા
આ સમગ્ર ઘટના અંગે વેપારી જગદીશભાઇએ અને ભાગીદારોએ હેમંતને ફોન કરતા પોતાનાથી મોટી ભુલ થઇ ગઇ છે તેઓ તમામ ભરપાઇ ચુકવી દેશે તેમ સૌ પ્રથમ જણાવ્યુ હતુ. ત્યારબાદ દિવાળી આવતી હોય જેથી તેમને ફોન કર્યો ન હતો અને ત્યારબાદ જગદીશભાઇ હેમંતના પિતાને મળતા તેમણે પણ નુકસાનીની ભરપાઇ કરાવી દેવા ખાતરી આપી હતી. થોડા દિવસ બાદ હેમંતના પરિવારજનોએ નુકસાનીની ભરપાઇ કરવા અંગે હાથ ઉંચા કરી દેતા અંતે જગદીશભાઇ અને ભાગીદારોએ પોલીસમાં ફરીયાદ નોંધાવવાનુ નકકી કર્યુ હતું.
ધાતુના માલની ઘટ થતા કારીગરો પર નજર રાખવાનુ શરૂ કર્યુ ને કૌભાંડનો પર્દાફાશ કર્યો
આ સમગ્ર ઘટનામાં હિસાબ કર્યા બાદ માલની ઘટ આવતા જ ભાગીદારોએ કાયમી કર્મચારીઓ પર દેખરેખ રાખવાનુ શરૂ કર્યુ હતુ. ત્યારબાદ જાણવા મળ્યુ કે કર્મચારી હેમંત સાગઠીયા 27-10 ના રોજ કંપનીમાંથી 10 થી 15 ટ્રે ભરીને મેન્યુફેકચરીંગ કરેલો માલ બહાર લઇ જતો હતો. તેની સાથે વાહન પાછળ મુકેશ પણ ગયો હતો. આ ઘટના ભાગીદાર નલીનભાઇ લુણાગરીયાએ જોઇ હતી જેથી ત્યારબાદ કંપનીમાંથી જયા મેન્યુફેકચરીંગ માલ જાય છે ત્યા પુછતા ત્યાથી કંપનીમાંથી કોઇ માલ નહી આવ્યાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ હેમંતની સાથે ગયેલા મુકેશની પુછપરછ કરતા મુકેશે વટાણા વેરી દીધા હતા અને તેમણે વાત કરી હતી કે કંપનીની પાછળ આવેલી શિવ મેટલ નામની ભઠ્ઠીમાં હેમંત સાગઠીયા છેલ્લા છ-સાત મહીનાથી એલટેક કંપનીનો ઝીંક ધાતુ અને મેન્યુફેકચરીંગનો માલ ઓગાળવા જતો હતો અને પોતે તેના પૈસા વાપરી નાખતો હતો.