કોડીનાર પંથકમાં સોનાના ચેઇનની લૂંટ ચલાવનાર એક આરોપી ઝડપાયો
વિધવા સહાયના ફોર્મ ભરું છું અને સરપંચના ભત્રીજાની ઓળખ આપી છેતરતો
જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તરફથી અનડિટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાના આધારે કોડીનાર પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. સોનાના ચેઈનની લૂંટ કરીને રૂૂપિયા 1,00,000/-ની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યો છે.
કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલના માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. પ્રદિપસિંહ રાયજાદા તથા પો.હેડ.કોન્સ. વિવેકસિંહ પઢીયાર, જશપાલસિંહ ગોહિલ, સુરસિંહ ચૌહાણની ટીમે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તથા મુદ્દામાલની તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન, પોલીસ ટીમે પો.હેડ.કોન્સ. અજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. કનુભાઈ વાઢેર દ્વારા મળેલી બાતમી અને સી.સી.ટી.વી. ફૂટેજ તથા ટેક્નિકલ સોર્સના સઘન વિશ્ર્લેષણના આધારે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી તા. 28/09/2025ના રોજ કરવામાં આવી હતી. અને આગળની તપાસ એસ.એમ. દેવરે પોલીસ સબ ઈન્સપેકટર સંભાળી રહ્યા છે.
રોહિત ઉર્ફે રાહુલ મસરીભાઈ કછોટ (ઉં.વ. 26), ધંધો: ડ્રાઈવિંગ, રહે: સિંધાજ ગોદરા ચોક વિસ્તાર, તા. કોડીનાર, જી. ગીર સોમનાથ.આરોપી રાહુલ કછોટે એક વૃદ્ધ મહિલાને વાતોમાં ફસાવીને વિશ્વાસ કેળવ્યો હતો. તેણે પોતાની ઓળખ વિધવા સહાય ના ફોર્મ ભરું છું અને ગામના સરપંચ મારા કાકા થાય છે તેવી ઓળખ આપી વિશ્વાસમાં લઈને આરોપીએ મહિલાને સારી રીતે ઓળખતો હોવાનું કહીને, સોનાનો ચેઈન અને એક તોલાનો દાગીનો (કુલ કિંમત આશરે રૂૂ. 1,00,000/-) લૂંટીને છેતરપિંડી કરી હતી.આ બનાવ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) (પૂર્વ આઇપીસી કલમ 392 લૂંટની સજા) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
કોડીનાર પોલીસ દ્વારા આરોપીની ધરપકડથી વિસ્તારમાં રાહતની લાગણી ફેલાઈ છે અને પોલીસે સામાન્ય નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓ પર ઝડપથી વિશ્વાસ ન મૂકવા અને જાગૃત રહેવા અપીલ કરી છે.