અમદાવાદની પેઢીના ભાગીદારને જુદા જુદા ત્રણ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
જામકંડોરણાના પત્રકાર પાસેથી ધંધાકીય જરૂૂરિયાત માટે ઉછીના લીધેલા કુલ રૂૂ.21 લાખ પૈકી રૂૂ.18 લાખ પરત કરવા આપેલા ત્રણેય ચેક રિટર્ન થવાના કેસમાં જામકંડોરણા અદાલતે અમદાવાદવાસી પેઢીના ભાગીદારને ત્રણેય કેસમાં એક-એક વર્ષની કેદ અને ચેકની રકમથી દોઢી રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ જામકંડોરણાના પત્રકાર અને વર્ષો જૂના ન્યુઝ પેપર એજન્ટ ગિરીશભાઈ પરસોતમભાઈ અગ્રાવતના પુત્ર ફરીયાદી જીતેનભાઈ ગિરીશભાઈ અગ્રાવતે અમદાવાદના એમ.આર.વી. ભાગીદારી પેઢીના ભાગીદાર દુષ્યંત રસીક શાહ અને રાકેશ ભીખા શાહ (રહે. અમદાવાદ)ને રૂૂા.21 લાખ ધંધા માટે રોકાણ કરવા માટે આપ્યા હતા. તે અંગે પ્રોમિસરી નોટ પણ લખાવવામાં આવી હતી. બાદ તે હાથ ઉછીની રકમની અવાર નવાર માંગણી કર્યા બાદ તેમની ભાગીદારી પેઢીના કુલ ચાર ચેકો અલગ અલગ રકમ અને તારીખોના આપેલા હતા, જેમાંથી રૂૂ.3 લાખનો ચેક રિટર્ન થતા આરોપી રાકેશ શાહે ચેકની રકમ ભરી આપતા કેસ લોક અદાલતમાં કેસ ફેસલ થયો હતો.
બાકીના રૂૂ.7 લાખ, રૂૂ.9 લાખ અને રૂૂ.5 લાખના જુદા જુદા ત્રણ ચેક રિટર્ન થયા પછી આરોપીઓને લીગલ નોટિસ આપવા છતા ચેકની રકમ નહીં ચૂકવતા ફરિયાદી જીતેન અગ્રાવતે તેના વકીલ મારફત અલગ અલગ ત્રણ ફરિયાદો દાખલ કરી હતી. જે કેસો કોર્ટમાં ચાલતા ટ્રાયલ દરમ્યાન આરોપી કે તેના વકીલ દ્વારા હાજર નહી રહી બચાવ પણ લેવામાં આવ્યો ન હતો. ફરીયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ જામકંડોરણા અદાલતે ત્રણેય કેસોમાં આરોપી રાકેશ ભીખા શાહને એક એક વર્ષની સજા અને ચેકની રકમથી દોઢી રકમ વળતર તરીકે ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ કાંતિલાલ બી. બાલધા અને પ્રતીક આર. કોયાણી રોકાયા હતા.