LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ
ગાળો ભાંડ્યાનો આરોપ મુકી આસ્થા ચોકમાં લઇ જઇ માર મારી ધમકી આપી મુક્ત કરતા સારવારમાં ખસેડાયો
શહેરના રૈયાધાર તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને હરિવંદના કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ઇન્દિરા સર્કલ પાસેથી બે શખ્સોએ સ્કુટરમાં અપહરણ કરી આસ્થા ચોકમાં લઈ જઇ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના રૈયાધાર તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને હરિવંદના કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરતા અનિલ રવજીભાઈ બેડવા (ઉ.વ.23) નામના યુવાનને પરમ દિવસે રાતે બે વાગ્યા આસપાસ ઇન્દિરા સર્કલ નજીક શક્તિ પાન પાસે મિત્રો સાથે ઉભો હતો ત્યારે ત્રણ શખ્સો બળજબરીથી ટુવ્હીલરમાં બેસાડી બીઆરટીએસ રૂૂટ ઉપરથી તેને આસ્થા ચોકમાં લઈ ગયા બાદ ઢીકાપાટુથી બેફામ માર મારી બાઈકની ચાવીથી ઇજા પહોંચાડતા એક દિવસ બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દા ખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા યુવકનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત અનિલ બેડવાએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે હું એલએલબીનો અભ્યાસ કરુ છું. કાલાવડ રોડ આંબેડકરનગર વિસ્તારના શખ્સોને રૈયાધારના શખ્સો સાથે માથાકુટ ચાલતી હોઇ હું રૈયાધારનો રહેવાસી હોઉં પરમ દિવસે રાતે ઈન્દિરા સર્કલ પાસે હતો ત્યારે કાલાવડ રોડના શખ્સો પ્રિયક, ધર્મશ ઉર્ફે રાધે રાઠોડ સહિતનાએ ખાર રાખી મેં કોઈ ગાળ દીધી ન હોવા છતાં આ લોકોએ તે કેમ ગાળ દીધી? તેમ કહી ખોટો આરોપ મુકી ઝઘડો કર્યો હતો. બાદમાં ચાર સવારીમાં ટુવ્હીલ2માં મને ઇન્દિરા સર્કલથી બેસાડી આસ્થા ચોકમાં લઇ ગયા હતાં. જ્યાં આ બંને ઉપરાંત બીજા અજાણ્યા શખ્સોએ પણ મારકુટ કરી હતી. છેલ્લે મને ધમકી દઈ છોડી મુક્યો હતો. એ દિવસે હું રાતે સુઈ ગયો હતો અને ઘરમાં જાણ કરી નહોતી. ગઈ કાલે દુ:ખાવો થતો હોઈ ઘરમાં જાણ કરતો મને સારવાર માટે ખસેડાયો હતો. તેમ વધુમાં અનિલે કહેતા પોલીસે તપાસ હાથ ધરી છે.