9 લાખની ચોરી કરી બે તસ્કરો બાઈક ઉપર રાજસ્થાન પહોંચ્યા
રૂા.7.55 લાખનો મુદ્દામાલ કબજે, રૂા.1.50 ની વસ્તુઓ અમદાવાદ મિત્રને સાચવવા આપી દીધી
રાજકોટનાં રસ્તાથી પરિચિત રાજસ્થાની શખ્સે ચોરી કરવા અને ભાગવા શેરી-ગલીના રસ્તાનો ઉપયોગ કર્યો
શહેરના પંચાયતનગરમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ રાજકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. રાજકોટથી ચોરી કરીને રાજસ્થાન ભાગી છુટેલી ટોળકીને ક્રાઈમ બ્રાંચ, એલસીબી ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસે ઝડપી લઈ રૂા.7.55 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો. ચોરી કરીને ભાગેલી આ ત્રિપુટીમાંથી બે શખ્સો રાજકોટથી બાઈક લઈને રાજસ્થાન પહોંચ્યા હતાં અન્ય શખ્સ ટ્રાવેલ્સમાં સિરોહી પહોંચ્યા હતાં. પોલીસે રૂા.7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય દોઢ લાખની મત્તા આ ત્રિપુટીએ અમદાવાદ રહેતા તેના મિત્રને સાચવવા આપી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પંચાયતનગર શેરી નં.2માં રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા (ઉ.66)ના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. રૂા.9.06 લાખની મત્તા ચોરી ગયા હતાં. આ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન-2ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા તપાસ્યા હોય જેમાં ત્રણ શકમંદો કેદ થયા હતાં. આ ચોરીમાં સંડોવાયેલા રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી રહેતા મુળ રાજસ્થાનના અગ્રારામ વરજોંગારામ ચૌધરી અને તેની સાથેના કમલેશ ફુલારામ માલી અને અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાણની રાજસ્થાનના સિરોહિથી ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો રાજકોટનાં સહકાર સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતાં હતાં. જેમાં સુત્રધાર અગ્રારામ છેલ્લા 12 વર્ષથી રાજકોટ રહેતો હોય તે રાજકોટના રસ્તાઓથી પરીચિત હતો. જેથી ચોરી કરવા માટે પ્લાન બનાવી તેના મિત્રો કમલેશ અને અરવિંદને કે જે રાજસ્થાનથી બોલાવ્યા હોય ત્રણેયે સાથે મળી ચોરીને અંજામ આપ્યો હતો અને સીસીટીવી કેમેરાથી બચવા શેરી ગલ્લીનો ઉપયોગ કર્યો હતો.
ચોરી કરીને અગ્રારામ અને અરવિંદ બન્ને રાજસ્થાન પાર્સિંગના બાઈક ઉપર રાજકોટથી ભાગી છુટયા હતાં અને અમદાવાદ હાઈવે થઈ તેઓ બાઈક ઉપર જ રાજસ્થાન પહોંચ્યા હતાં અને જ્યારે ત્રીજો શખ્સ કમલેશ ટ્રાવેલ્સમાં સિરોહિ પહોંચ્યો હતો. આ ત્રિપુટી પાસેથી 7.55 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે રૂા.1.55 લાખનો મુદ્દામાલ અમદાવાદના તેના મિત્રને આપી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસ ટીમ
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી ક્રાઈમ ભરત બસીયા તથા એસીપી પશ્ર્ચિમ રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ એલસીબી અને યુનિવર્સિટી પોલીસે કામગીરી કરી હતી. જેમાં પીઆઈ એમ.જે.વસાવા સાથે પીએસઆઈ સી.એચ.જાદવ, ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર, પીએસઆઈ વી.ડી.ડોડીયા, એલસીબી ઝોન-2નાં પીએસઆઈ આર.એચ.ઝાલા, યુનિવર્સિટીના પીએસઆઈ બી.આર.ભરવાડ સાથે ક્રાઈમ બ્રાંચના યુવરાજસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ જાડેજા, વિજયરાજસિંહ, પ્રદીપસિંહ, એલસીબી ઝોન-2નાં જેન્તીભાઈ ગોહિલ, રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ, ધર્મરાજસિંહ, કુલદીપસિંહ, યુનિવર્સિટી પોલીસ મથકના સમીરભાઈ શેખ, રઘુવીરસિંહ વાળા, મહીપાલસિંહ જાડેજા, વિજુભાઈ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, વનરાજભાઈ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, મૈસુરભાઈ કુંભારવાડીયા, રાહુલ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.