ઘી, ચીઝ બાદ હવે સુરતમાંથી રૂા.6 કરોડની નક્લી ઘડિયાળો ઝડપાઇ
નકલી ઘી અને ચીઝ બાદ સુરતમાં પણ ડુપ્લીકેટ ઘડિયાળોનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો. વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં બ્રાન્ડેડ ઘડિયાળોના નામે ડુપ્લીકેટ ઘડિયાળોનું વેચાણ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. બ્રાન્ડેડ ઘડિયાળ કંપનીની ફરિયાદ બાદ આ મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીને બાતમી મળી હતી કે શહેરના પુણે વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશિર્વાદ વોચ નામની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોની નકલ કરવામાં આવી રહી છે.ફરિયાદના આધારે કોર્ટના આદેશથી કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી હતી. આ ઘડિયાળો 300 રૂૂપિયાથી લઈને 1300 રૂૂપિયા સુધીની કિંમતમાં વેચાતી હતી. દુકાનદાર આ ઘડિયાળો દેશભરમાં ઓનલાઈન પણ સપ્લાય કરતો હતો.
ટેકનિકલ તપાસમાં આ ઘડિયાળ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું છે. કંપનીની અન્ય બ્રાન્ડેડ ઘડિયાળોની પણ નકલ કરવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.કંપનીના જણાવ્યા અનુસાર આ ઘડિયાળો ખૂબ જ ઓછી કિંમતે બનાવવામાં આવી હતી અને તેને બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળો તરીકે જાહેર કરીને ઊંચા ભાવે વેચવામાં આવી હતી. પીયૂષ વિરડિયા નામનો વ્યક્તિ એસએસ એન્ટરપ્રાઈઝ, નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઈઝના નામે ડુપ્લીકેટ ઘડિયાળો વેચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે લગભગ 6 કરોડ રૂૂપિયાની ડુપ્લિકેટ ઘડિયાળોનું વેચાણ થયું છે. કંપનીએ આરોપીઓ વિરુદ્ધ ટ્રેડમાર્ક અને કોપીરાઈટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.