For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડમાં એડવોકેટ ઇમ્તિયાઝ દોઢિયાની કરપીણ હત્યા

01:53 PM Jun 14, 2025 IST | Bhumika
કાલાવડમાં એડવોકેટ ઇમ્તિયાઝ દોઢિયાની કરપીણ હત્યા

મોડી રાત્રે ઘરનું તાળું ખોલતા હતા ત્યારે ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

Advertisement

હત્યારાઓને પકડવા નાકાબંધી કરાઇ, એક શખ્સ સકંજામાં, વકીલ આલમમાં ખળભળાટ

જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ મંડળના સેક્રેટરી અને જાણીતા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ દોઢિયાની ગઈકાલે રાત્રિના હત્યાની ઘટના સામે આવતાં ભારે હડકમ્પ મચી ગયો છે, અને વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

Advertisement

પોતાના ઘરનું તાળું ખોલવા જતા હતા, જે દરમિયાન ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. તેઓના મૃતદેહનું જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા જિલ્લા ભરમાં નાકાબંધી કરાઈ છે. એલસીબી દ્વારા એક શખ્સ ને સકંજા માં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા અને કાલાવડ વકીલ મંડળ ના સેક્રેટરી જાણીતા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ કેસરભાઈ દોઢિયા કે જેઓ ગઈકાલે રાત્રિના 11.15 વાગ્યે પોતાના ઘરનું તાળું ખોલવા જઈ રહ્યા હતા. જે દરમિયાન 3 શખ્સો ધસી આવ્યા હતા, અને તેમના ઉપર છરી વડે હુમલો કરી દેતાં તેઓ લોહી લુહાણ થઈને ઢળી પડ્યા હતા.આ બનાવની જાણ થતાં કાલાવડ માં ભારે દોડધામ થઈ હતી. એડવોકેટ ના ભાઈ આસિફભાઇ દોઢિયા વગેરે દ્વારા ઇજાગ્રસ્ત એડવોકેટ ને સારવાર માટે સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેઓનો માત્ર મૃતદેહજ પહોંચ્યો હતો.

જે બનાવની જાણ થતા સૌપ્રથમ કાલાવડની પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને બનાવના સ્થળે તેમજ કાલાવડની સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ એડવોકેટ ના મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને બનાવની જાણ થવાથી તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાના આદેશો કર્યા હતા.

જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધાની આગેવાની હેઠળ પોલીસની મોટી ટુકડી આરોપીઓને શોધવા માટે રાત્રી ભર કોમ્બીન્ગમાં જોડાઈ હતી. એલસીબી ની ટીમ પણ કવાયત માં જોડાઈ હતી, અને એકાદ શકમંદને ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. લાલો ખવાસ નામનો શખ્સ અને તેના સાગરીતોનું આ કારસ્તાન હોવાનું પ્રાથમીક દૃષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

પોલીસ દ્વારા એડવોકેટ ઈમ્તિયાઝભાઈ દોઢિયાના નાના આસિફભાઈ કેસરભાઇ દોઢિયાની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ જૂની અદાવતનો આ બનાવ કારણ ભૂત હોવાનું અનુમાન લગાવી પોલીસ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

જામનગરના વકીલ મંડળમાં આ ઘટનાની જાણ થવાથી ઘેર શોક ની લાગણી છવાઈ છે. વહેલી સવારે 4.30 વાગ્યે એડવોકેટ ઈમ્તિયાઝભાઈ દોઢિયાના મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની પેનલ મારફતે તેઓનું પોસ્ટમોર્ટમ કરાવવા આવી રહ્યું છે.
આ ઘટના બાદ કાલાવડ માં રહેતા મૃતકના પરિવારજનો તેમજ વકીલ મંડળના સભ્યો જયારે જામનગર બાર એસો.ના હોદ્દેદારો વગેરે જી.જી. હોસ્પિટલના દ્વારે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, અને ભારે ગમગીની ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement