જામનગરના દરિયા કિનારાના 100 ગામોમાં સાયરન લગાવવા કાર્યવાહી
ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ભરી પરિસ્થિતિ છે, અને જામનગર જિલ્લો કે જે સરહદી જિલ્લો છે, ઉપરાંત પાકિસ્તાનથી ઘણો નજીક આવેલો છે. અને સાથે સાથે જામનગરમાં ભારતીય સૈન્યની ત્રણેય લશ્કરી પાંખો આવેલી છે. જેથી પણ આ જિલ્લાનું સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ વધી જાય છે.
ત્યારે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના ભાગરૂૂપે કુલ 100 જેટલી સાયરનો લગાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના જણાવ્યા અનુસાર સમગ્ર જિલ્લાના 100 જેટલા દરિયા કિનારા નજીકના ગામો કે જ્યાં વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત કરી શકાય, તેના સંદર્ભમાં સાયરન લગાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જે પૈકી 55 સાયરન આવી ચૂક્યા છે, અને જરૂૂરિયાત મુજબના દરિયા કિનારા નજીકના ગામોમાં તે સાયરનો ફીટ કરી દેવામાં આવ્યા છે. બાકીના સાયરનો નો જથ્થો આવી જશે, ત્યારબાદ અન્ય બાકીના ગામોનો પણ સર્વે કરીને ત્યાં નવા સાયરન ફીટ કરી દેવામાં આવશે, અને લોકોને તે સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ જાણકારીઓ પણ આપવામાં આવશે.
જામનગર શહેરની વાત કરવામાં આવે તો અગાઉ બ્લેક આઉટ સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં શાયરાન સંભળાયું નહીં હોવાની જાણકારી મળી હતી. જેના સંદર્ભમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઘટતી કાર્યવાહી કરવામાં આવી હતી, અને શહેરની ભૌગોલિક રચના મુજબ જુદા જુદા 11 વિસ્તારોમાં નવા સાયરન ફિટ કરી દેવામાં આવ્યા છે, અને હાલ તમામ સાયરન કાર્યરત છે. આગામી પરિસ્થિતિ ના સંદર્ભમાં લોકોને સાવચેતી માટે ઉપયોગ કરી શકાય તે માટેનું વહીવટી તંત્ર સંપૂર્ણ પણે સુસજ્જ છે.