ચોટીલાની જીનિંગ મિલનું રૂા.300 કરોડમાં ઉઠમણું
ફેક્ટરીએ લેણદારોના ટોળાં ઊમટતાં પોલીસે મામલો સંભાળ્યો
ખેડૂતો, વેપારીઓ અને મજૂરોના કરોડો રૂપિયા ડુબાડી રાજકોટના માલિકો રાતોરાત ગાયબ
ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ સિધ્ધનાથ કોટેક્ષ નામની રાજકોટના જિનિંગ મીલમાં કામ કરતા 300 જેટલા મજુરો પગાર ચુકવવાની માંગ સાથે રોડ ઉપર ઉતરી આવતા મામલો બિચક્યો હતો અને પોલીસ દોડી જતા સંચાલકો ગાયબ જણાતા પેઢી ઉઠ્યા ની ચર્ચા એ જોર પકડયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢ રોડ ઉપર સિધ્ધનાથ કોટેક્ષ પ્રા. લી નામની કોટન દોરા બનાવતી જીનીંગ ફેકટરીના સંચાલકો રાતોરાત પડેલ માલ અને વાહનો સહિત જતા રહ્યા હતા ત્યારે કામ કરતા 300 જેટલા મજુરો રોડ ઉપર ઉતરી આવતા પોલીસ દોડી ગયેલ હતી.
સ્થળ ઉપરથી જાણવા માલ્યા મુજબ ફેક્ટરી એકાદ મહિનાથી બંધ છે 800 જેટલા કામદારો કામ કરતા હતા જેમા મોટાભાગનાં યુપી, એમપી, બિહાર, ઝારખંડ અને સ્થાનિક હતા તેમાંથી જેઓને પગાર ચુકવાયો તેઓ થોડ દિવસ પૂર્વે જતા રહેલા અને બાકીનાઓને આજે ચૂકવવાનો વાયદો હતો પરંતુ તે પૂર્વે જ પેઢીના સંચાલકો રાત્રીના લોડર સહિત ચીજવસ્તુઓ લઇને જતા રહેલા અને તેઓનો ફોન પણ સ્વીચ ઓફ આવતા ના છુટકે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
મજુરો ની વાત લોકોમાં પહોંચતા જે ખેડૂતોએ પોતાનો કપાસ આપેલો તેવા પંથકનાં અલગ અલગ ગામનાં ખેડૂતો મોટી સંખ્યામાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા જેઓની લાખો રૂપિયાની રકમ લેણી હોવાનું જણાવ્યું હતું. પોલીસે સમય સુચકતા વાપરી કોઇ અઘટીત ઘટના ના બને તે માટે મોટો બંદોબસ્ત ગોઠવી દીધો છે. મજુરોને છેલ્લા કેટલાક દિવસોથી કહેવાયું હતુ કે તમોને પગારના મળે ત્યાં સુધી અહીં રહો અને કેન્ટીંગમા જમવાનું છે પરંતું રાશન નથી હવે આજ સાંજ થી કેન્ટીંગમા જમવા નહીં મળે તેવું રસોયા એ જાહેર કરતા મજુરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મોટી સંખ્યામાં કામ કરતા પર પ્રાતિયનું મજુરો પૈસાને કારણે ફસાયા હોવાનું જાણ થતા પ્રાત અધિકારી કલ્પેશ શર્મા મામલતદાર વી એમ પટેલ પણ દોડી ગયા હતા અને મજુરોને જમવાની વ્યવસ્થા હાલ કરાવી સમગ્ર મામલા અંગે પોલીસને તપાસ અને તંત્ર આ અંગે સંપુર્ણ કાયદાકીય કાર્યવાહી કરશે તેવું ડે. કલેકટરે જણાવ્યું છે. આ પેઢી કાચી પડેલ છે અને મોટી રકમનાં ચુકવણા બાકી છે અને ખેડૂતો અને વેપારી લોકો સાથે કરોડોની રકમનું ચીટીંગ કરેલ છે ત્યારે તેઓની વિરૂધ્ધમાં મુખ્ય માલિક સહિતનાઓ સામે ફરિયાદીઓ પાસેથી વિગતો મેળવી ગુનો દાખલ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઈ આઇ બી. વલવીએ જણાવ્યું છે. લાખોનો કપાસ ખેડૂતોએ વહેચ્યો હોય આજનો નાણા ચુકવવાનો વાયદો કર્યા બાદ પેઢીને તાળા લાગતા દલાલો તેમજ મજૂરો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. રાજકોટના પણ અનેક વેપારી દલાલો અને ખેડૂતો ફસાયા હોય તેઓ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી એ પહોંચ્યાં હતા જીનીંગ માલિકો બંધુઓ દેશ છોડી નાસી છૂટશે તો ખેડૂતો અને વેપારીઓને લાગશે અંદાજે 300 કરોડનો ચૂનો લાગવાની દહેશત વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. સૌરાષ્ટ્રનાં જીનીંગ ઉદ્યોગપતિઓમાં કરોડમાં પેઢી ઉઠીની ચર્ચા અને ફેક્ટરી ઉપર મજદુરો દયનીય પરિસ્થિતિમાં મુકાયા હોવાની વિગતો સાપડતા જીલ્લા પોલીસ વડા ચોટીલા દોડી આવ્યા હતા.
રાજકોટના અનેક વેપારીઓના પણ કરોડો રૂપિયા ફસાયા
ચોટીલાની સિદ્ધનાથ કોટેક્ષ નામની જીનિંગ મીલમાં રાજકોટ તેમજ ચોટીલા માર્કેટ યાર્ડના કેટલાક વેપારીઓના પણ કરોડો રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ ફેકટરીના સંચાલકોઓ ભાગ્યા પહેલા વેપારીઓ પાસેથી ઉધારમાં મોટી રકમના કપાસની ખરીદી કરી લીધી હતી અને તેનું બારોબાર વેચાણ કરી રાતોરાત ગાયબ થઇ ગયા હતો આ બારામાં પણ એક-બે દિવસમાં પોલીસ ફરિયાદો નોંધાય તેવી શકયતા છે.