પત્ની અને પુત્રને ચડત ભરણપોષણ નહિ ચૂકવનાર આરોપીને 80 દિવસની કેદ
રાજકોટ તાલુકાના મુંજકા ગામે રહેતી પરણીતાને ભરણ પોષણ નહીં ચુકવનાર પતિને કોર્ટે 80 દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ તાલુકાના આણંદપર (નવાગામે) રહેતા ચિરાગ સુરેશભાઈ જળુ નામના યુવાન સાથે મુંજકા ખાતે રહેતા ઇલાબેનના લગ્ન થયા હતા. લગ્ન જીવનથી સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો બાદ દંપતિ વચ્ચે મનમેળ ન રહેતા પરણીતા પોતાના માસુમ પુત્ર સાથે અલગ રહેતી હતી . પોતાનું તેમજ માસુમ પુત્રનું જીવન નિર્વાહ ચલાવવા માટે કરેલી ભરણ પોષણ અરજી ફેમિલી કોર્ટએ મંજૂર કરી ઇલાબેનને માસિક રૂૂ.4000 અને પુત્ર હિમાલયને રૂૂ.1000 નું ભરણપોષણ ચૂકવવા પતિને હુકમ કર્યો હતો. પરંતુ પતિ દ્વારા 10 માસ સુધી રકમ નહીં ચૂકવતા પરણીતાએ ચડત ભરણપોષણની રકમ રૂૂ.50,000 મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં સામે વાળા પતિએ નોટિસ બજાતા તેઓ હાજર રહી રૂૂ.10000 ચૂકવ્યા હતા.
બાદમાં બાકીની રકમ ન ચૂકવતા હોય ત્યારે અરજદારના એડવોકેટ ગડારાએ કરેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે અદાલતે કુલ 80 દિવસની સજાનો હુકમ કરેલો અને સજાની અમલવારી માટે અદાલતે વોરંટ ઇસ્યુ કરવાનો પણ હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર ઇલાબેન વતી ફેમિલી કોર્ટના લીગલ એડના સરકાર તરફથી પેનલ એડવોકેટ અમિત ગડારા રોકાયા હતા.