ભાવનગરમાં સામૂહિક દુષ્કર્મના આરોપીએ વધુ પડતી ટીકડીઓ ખાઇ લેતા સારવારમાં
આરોપીની માનસિક સ્થિતી સારી ન હોવાનું પોલીસનું રટણ
બાર વર્ષની કિશોરી સાથે સામુહીક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપીએ પોલીસ ધરપકડ કરે તે પહેલા જ એક સાથે વધુ પડતી ટીકડીઓ ખાઇ લેતા તેની તબિયત લથડી હતી અને તેને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેની સારવાર શરૂૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપીઓની હજી સુધી ઓળખ થઇ શકી નથી.
ઉલ્લેખનીય છે કે, તા.3ના રોજ બાર વર્ષની સગીર કિશોરીની માતાએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની દિકરી કેટરીંગ તેમજ અન્ય જગ્યાએ મજુરી કામ કરે છે અને તેની સાથે ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જયપાલ સીંધી તેમજ અન્ય બે શખ્સ કિશોરીને નાસ્તો તેમજ પૈસા આપવાની લાલચ આપી બાઇક પર લઇ ગયા હતા અને ત્યાર બાદ આ ત્રણે શખ્સે સામુહીક દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવમાં પોલીસે આરોપી જયપાલ સિંધીને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવનાર હતી પરંતુ તેની ધરપકડ થાય તે પહેલા જ તેણે પોતાના ઘરે તેની માતાની દવાના ટીકડાઓ ખાઇ લેતા પોલીસે તેને પાલીતાણા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે, તેની સ્થિતિ વધુ બગડતા તેને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. ડીવાયએસપી મીહીર બારીયાએ જણાવ્યું હતું કે, આરોપીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાતા મનોચિકિત્સક દ્વારા તેની સારવાર કરાઈ રહી છે. જ્યારે અન્ય બે આરોપીઓની હજી સુધી ઓળખ થઇ શકી નથી. ભોગ બનનારી કિશોરી તેમજ પરિવરાજનોને સાથે રાખી અન્ય બે આરોપીને ઝડપી પાડવા માટે તેની ઓળખના પ્રયાસો કરાઈ રહ્યાં છે.