ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
બોટાદની સેસન્સ કોર્ટે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી હરિભક્તની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મહેન્દ્રભાઈ માનસિંહભાઈ રાઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે.
આ ઘટના 19 ઓગસ્ટ, 2022ના રોજ વહેલી સવારે બની હતી. મંદિરમાં રહેતા પ્રતાપસિંહ હિંમતસિંહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. તપાસમાં બહાર આવ્યું કે મહેન્દ્રભાઈ રાઠવા અને પ્રતાપસિંહ વચ્ચે મનદુ:ખ ચાલી રહ્યું હતું. મંદિર દ્વારા આરોપી મહેન્દ્રભાઈને અમેરિકા મોકલવાની વાત હતી. પરંતુ પ્રતાપસિંહ પોતાના પુત્રને મોકલવાની ભલામણ કરી રહ્યા હતા. આ અદાવતમાં મહેન્દ્રભાઈએ લોખંડના પાઈપ વડે પ્રતાપસિંહ પર હુમલો કરી તેમની હત્યા કરી હતી. ગઢડા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
બોટાદના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષ સહાય જે. પરાશરની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ કે.એમ. મકવાણાની રજૂઆત અને પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે ચુકાદો આપ્યો.
આરોપી મહેન્દ્રભાઈ રાઠવાને ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)ની કલમ 302 હેઠળ આજીવન કેદ અને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ એક વર્ષની સખત કેદ અને ₹5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.