સુરતના 111 કરોડના સાઇબર ફ્રોડનો આરોપી ભાવનગરમાંથી ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ભરૂૂચ અને સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગંભીર છેતરપિંડીના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી દશરથ રામજીભાઇ ધાંધલીયા (ઉં-31) ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંથી ઝડપાયો છે. તે મૂળ સુરતના ઉમરા ફાટક વિસ્તારનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ ભરૂૂચ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો બનાવવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. સુરત સાયબર સેલમાં પણ તેની વિરુદ્ધ આઈટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ છે.
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીએ વિવિધ બેંકોના એકાઉન્ટ્સ મેળવીને તેના મળતિયાઓ દ્વારા કરવામાં આવેલા સાયબર ફ્રોડની રકમ જમા કરાવી ઉપાડી લેતો હતો. સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં 623 બેંક એકાઉન્ટ દ્વારા કુલ રૂૂ.111 કરોડ જેટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આરોપીની ધરપકડ બાદ તેને બોરતળાવ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. આ અંગે ભરૂૂચ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે.