હત્યા કેસમાં આરોપીને જીવે ત્યાં સુધીની કેદ
દોઢ સો ફૂટ રિંગરોડ પર ત્રણ વર્ષ પૂર્વે ફૂટપાથ ઉપર સુવા મુદ્દે રખડતું ભટકતું જીવન જીવતા પ્રૌઢનું પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ’તું
રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 150 ફૂટ રીંગ રોડ ઉપર ફૂટપાથ ઉપર સુવા જેવી બાબતે રખડતું ભટકતું જીવન જીવતા પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે હત્યા કેસમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલા એસટી વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે જેનાભાઈ પોપટભાઈ સરમાળી નામના 45 વર્ષના પ્રૌઢ રખડતું ભટકતું જીવન જીવતા હતા. ગત તા.4-9-2021 ના રોજ 150 ફૂટ રીંગ રોડ હોસ્પિટલની આગળ કૃતિઓનેલા બિલ્ડિંગના સામેના ભાગે રોડની સાઈડમાં ફૂટપાથ ઉપર સુવા બાબતે આરોપી જેન્તી નટુભાઈ જોટાણીયાએ ઝઘડો કરી પથ્થરના ઘા ઝીંકી દિનેશભાઈ ઉર્ફે જેનાભાઈ પોપટભાઈ સરમાળીની હત્યા કરી હતી. આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં મૃતક દિનેશ સરમાળીના ભાણેજ કાંતિભાઈ રવજીભાઈ મકવાણાએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
ચારશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ શાહ હાજર રહ્યા હતા. 14 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને 31 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે કેસમાં બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી જયંતિ નટુભાઈ જોટાણીયાને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારકો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ રોકાયા હતા.