પૈસાની લેતીદેતીમાં ખેલાયેલા ખૂન કેસમાં આરોપીને આજીવન કેદ
શહેરમાં રવીરત્ન પાર્કમાં પૈસાની લેતીદેતીમા ખેલાયેલા ખુન કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂૂા.25 હજારનો દંડ તેમજ મૃતકના પરીવારજનોને રૂૂા.10 લાખ વળતર પેટે ચુકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મડળને ભલામણ કરી છે.
આ કેસની હકિક્ત મુજબ રાજકોટમાં સ્વામીનારાયણ મંદિરની સામે આવેલ નકળક ટી સ્ટોલ ખાતે તા.23/02/2019 ના રોજ બપોરના અરસામાં હરેશભાઈ માધવજીભાઈ મકવાણા અને આરોપી ફીરોજ મોટલીયા નાણાકીય વ્યવહાર અર્થે મળ્યા હતા. ત્યારબાદ બને વચ્ચે ઝઘડો થતા હરેશભાઈ પોતાનું મોટર સાયકલ લઈ રવિરત્ન પાર્ક, શેરી ન.4 ના ખુણા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ફીરોજ માટલીયાએ બાઈક લઈ પીછો કરી હરેશભાઈના બાઈક સાથે અકસ્માત સર્જી પછાડી દઈ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા મોતને ઘાટ ઉતાર્યા હતા. મોટર સાઈકલ ભટકાવાથી આરોપી ફીરોજને પણ ઈજા થતા સિવીલ હોસ્પિટલે જઈ સારવાર લીધી હતી.
આ અગે હરેશભાઇના ભત્રીજા પિયુષ મકવાણાએ પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. તપાસ અધિકારીએ આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદા ધ્યાને લઇ અધિક સેશન્સ વી.એ. રાણાએ આરોપી ફિરોજ ઝીકરભાઈ માટલીયાને આજીવન સખ્ત કેદની સજા અને રૂૂા.25 હજારનો દંડ તેમજ મૃતકના પરીવારજનોને રૂૂા.10 લાખ વળતર પેટે ચુકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મડળને ભલામણ કરી છે. આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સજયભાઈ કે. વોરા રોકાયા હતા.