ચકચારી હત્યા કેસમાં આરોપી દોષિત: 17મીએ સજાનું ફરમાન
કોઠારિયા ચોકડી પાસે ત્રણ વર્ષ પૂર્વે સ્કૂટર ચાલકને આંતરી ઇંડાના પૈસા માગી શખ્સે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો’તો
શહેરમાં કોઠારીયા ચોકડી નજીક આવેલ શ્રી માધવ પાર્કિંગના ગેટ પાસે એક શખ્સે સ્કૂટર સવારને આંતરી ઈંડા ખાવાના રૂૂપિયા માંગ્યા હતા. સ્કૂટર ચાલકે રૂૂપિયા આપવાની ના પાડતા સ્કૂટર ચાલક ઉપર છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. જે ચકચારી હત્યા કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી સજાના હુકમ માટે આગામી તા.17 માર્ચ મુકરર કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ હુડકો ક્વાર્ટરમાં રહેતા કાળુભાઈ રામજીભાઈ ભાદરકા નામનો 42 વર્ષનો યુવાન ગત તા.5-12-2021 ના રોજ પોતાનું સ્કૂટર લઈ કોઠારીયા ચોકડી પાસે આવેલ શ્રી માધવ પાર્કિંગના ગેઇટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઠારીયા ચોકડી નજીક રહેતા હિમત ઉર્ફે કાળુ ગઢવી નામના શખ્સે કાળુભાઈ ભાદરકાના સ્કૂટરને આંતરી ઈંડા ખાવા માટે રૂૂપિયા માંગ્યા હતા.
કાળુભાઈ ભાદરકાએ રૂૂપિયા આપવાની ના પાડતા આરોપી હિમત ઉર્ફે કાળુ ગઢવીએ કાળુભાઈ ભાદરકા સાથે ઝઘડો કરી પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઇ ભાદરકાએ ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારી અરમાન નામના યુવકની મદદ માગતા કાળુભાઈ ભાદરકાને તેના સ્કૂટરમાં રાહદારી અરમાન તેના ઘરે લઈ ગયો હતો જ્યાં પત્ની રંભાબેન ભાદરકા, રાહદારી અરમાન અને તેના પુત્રની હાજરીમાં કાળુભાઈ ભાદરકાએ મરણોન્મુખ નિવેદન આપ્યું હતું પરિવાર દ્વારા ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈ ભાદરકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવવા હત્યામાં પલટાયો હતો. આ અંગે મૃતક કાળુભાઈ ભાદરકાની પત્ની રંભાબેન ભાદરકા પતિના હત્યારા હિમ્મત ઉર્ફે કાળુ ગઢવી વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી હિમત ઉર્ફે કાળુ ગઢવીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા મૃતકે પરિવારની હાજરીમાં આપેલ નિવેદન, ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને તબીબની જુબાની તેમજ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ દાલકના ચુકાદાને ધ્યાને લઇ એડિશનલ ડિસ્ટ્રીક જજ એસ.સી. મકવાણાએ આરોપી હિમત ઉર્ફે કાળુ ગઢવીને હત્યા કેસમાં તકસીરવાન ઠેરવતો હુકમ કર્યો છે. જ્યારે સજાના હુકમ માટે આગામી તા.17 માર્ચ મુકરર કરવામાં આવી છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ બીનલબેન રવેશીયા રોકાયા હતા.