ભાવનગરમાં મોબાઇલ ચોરીની શંકાએ માથાકૂટમાં યુવાનની હત્યા
બે શખ્સોએ બોથડ પદાર્થના ઘા મારી ઢીમ ઢાળી દીધું
ભાવનગરમાં બે શખ્સો દ્વારા બોથડ પદાર્થ ઝીંકી યુવાનની હત્યા કરી કચરાના ઢગ પાસે ફેકી દીધા નો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ભાવનગર શહેરના તિલકનગર રોડ પરથી એક યુવાનની લાશ મળી આવી હતી. જે યુવકની લાશ મળી આવી હતી તે યુવકનું નામ હર્ષદ ગોહીલ હોવાનું અને તે કચરો વીણતો હોવાનું ખુલવા પામ્યું હતું. પીએમ રિપોર્ટમાં યુવકને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ તપાસમાં સવારના સમયે મુકેશ ચૂડાસમા અને શૈલેષ ચૌહાણ નામના શખ્સ સાથે મોબાઇલ ફોન બાબતે ઝઘડો થયો હોવાની વિગતો ખુલવા પામી હતી.તપાસ દરમિયાન બન્ને શખ્સને હર્ષદે મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની આશંકા હોવાના કારણે આ બન્ને શખ્સે હર્ષદને લાકડી અને પ્લાસ્ટીકની પાઇપ તેમજ અન્ય કોઇ બોથડ પદાર્થથી માર માર્યો હતો અને તેમાં હર્ષદને ગંભીર ઈજા પહોંચી હતી. હર્ષદ અધમુવો થઇ જતાં આ બન્ને શખ્સે આ યુવકને રોડના કિનારે કચરાના ઢગ પાસે ફેંકી દીધો હતો અને ત્યાર બાદ તેનું મોત થયું હતું. ઘોઘારોડ પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરી બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે.