ધરાર પ્રેમી ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીનો ભવ બગાડયો
યુવતીને રસ્તા વચ્ચે આંતરી માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાવી પરત ફરતા માતા-પુત્રી ઉપર ફરી હુમલો કર્યો
શહેરમા શિવપરામાં રહેતા 50 વર્ષના ઢગાએ પુત્રીની ઉંમરની યુવતીને લગ્નનો પ્રસ્તાવ કર્યો હતો પરંતુ યુવતીએ ઢગાના પ્રેમને ઠુકરાવતા છેલ્લા પાંચ વર્ષથી ત્રાસ ગુજારતા ઢગાએ ગઈકાલે યુવતીને માર માર્યો હતો જે અંગેની ફરિયાદ નોંધાવી પરત ફરતી માતા પુત્રીને ફરી આંતરિક હુમલો કર્યો હોવાનો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં દોઢ સો ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે આવેલા મોચીનગરમાં રહેતા ઝરીનાબેન અસલમભાઈ સૈયદ નામના 47 વર્ષના પ્રોઢા સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં રૈયા રોડ ઉપર આવેલા શિવપરામાં હતા ત્યારે રહીમ સુલેમાન શેખ નામના શખ્સે ઢીકા પાટુનો માર માર્યો હતો. ઝરીનાબેન સૈયદને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસે ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધ્યું હતું.પ્રાથમિક પૂછપરછમાં ઝરીનાબેન સૈયદના પતિ જીઆઈએસેફમાં નોકરી કરે છે અને તેમને સંતાનમાં બે પુત્રી છે જેમાંની મોટી પુત્રીના શિવપરામાં લગ્ન થઈ ગયા છે અને નાની દીકરી ગાંધીનગર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે હુમલાખોર રહીમ શેખ અગાઉ ઝરીનાબેનની પાડોશમાં રહેતો હતો રહીમ શેખને પણ બે પુત્રી છે તેમ છતાં 50 વર્ષના ઢગાએ પાંચ વર્ષ પૂર્વે ઝરીનાબેન સૈયદની નાની પુત્રીને પ્રેમનો એકરાર કર્યો હતો પરંતુ યુવતીએ ધરાર પ્રેમીના પ્રેમને ઠુકરાવી દીધો હતો જેનો ખાર રાખી ત્રાસ ગુજારતો હતો જેના કારણે એકાદ વર્ષ પૂર્વે યુવતીએ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઈલ ગટગટાવી લીધું હતું અને યુવતી દ્વારા પ્રેમી ઢગા રહેમ શેખ વિરુદ્ધ પાંચેક વખત પોલીસમાં અરજી કરી છે.
જેમાં એક ગુનામાં રહીમ શેખ જેલમાં પણ ગયો હતો જે પોલીસ ફરિયાદનો ખાર રાખી હજુ ત્રાસ આપી રહ્યો છે અને ગઈકાલે ગાંધીનગર નોકરી કરતી યુવતી બેંકના કામ સબબ ઘરે આવી હતી અને બેંકનું કામ પતાવી પોતાનું સ્કૂટર લઈ ઘરે જતી હતી ત્યારે રહીમ શેખે લાખના બંગલા પાસે રીક્ષા આડી નાખી તેણીને આંતરી માર માર્યો હતો. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જે અરજી કર્યા બાદ ઝરીનાબેન પોતાની પુત્રીને સાથે લઈને શિવપુરામાં રહેતી મોટી પુત્રીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી રહીમ શેખે ફરી શિવપરામા માતા પુત્રીને આંતરી ઝરીનાબેન સૈયદ ઉપર હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે ફરી રહીમ શેખ વિરુદ્ધ ગાંધીગ્રામમાં બીજી અરજી કરવામાં આવી છે. પોલીસે ધરાહાર પ્રેમી ઢગા વિરુદ્ધ કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.
પિતાની ઉંમરના ધરાર પ્રેમીના ત્રાસથી યુવતીએ ફિનાઇલ પીધું’તું
પિતાની ઉંમરના ધરાર પ્રેમીના ત્રાસથી કંટાળી છેલ્લા પાંચ વર્ષમાં પોલીસમાં જુદી જુદી પાંચ અરજી કરી હતી અને એક કેસમાં શખ્સને જેલની સજા પણ પડી હતી. તેમ છતાં જેલ મુક્ત થયા બાદ ધરાર પ્રેમી ઢગાના ત્રાસથી કંટાળી યુવતીએ એકાદ વર્ષ પૂર્વે પોલીસ કમિશનર કચેરીમાં ફીનાઇલ ગટગટાવ્યુ હતું.