આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રાહદારી યુવકને બુકાનીધારી શખ્સોએ છરીના ઘા ઝીંકી લૂંટી લીધો
રાત્રીના ભાભીના ઘરેથી પરત ફરતી વખતે લૂંટારું ગેંગે 200 રૂપિયાની રોકડ અને મોબાઇલ પડાવી લીધા
શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ લુંટારું ગેંગ ફરી સક્રિય થઈ છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાત્રીના સમયે ભાભીના ઘરેથી જમીને પરત ફરતા રાહદારી યુવકને અજાણ્યા બુકાનીધારી શખ્સોએ 200 રૂૂપિયાની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતા જંગલુ ધનવરભાઈ આદિવાસી નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં આરતી મેઇન રોડ ઉપર ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી સાથળ અને બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જગલુ આદિવાસી નજીકમાં જ રહેતા ભાભીના ઘરે જમીને પોતાના રૂૂમ પર પરત ફરતો હતો ત્યારે ચાર બુકાનીધારી શખ્સોએ મોબાઈલ માંગી છરી વડે હુમલો કરી મોબાઇલ અને રૂૂ.200 ની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.