થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યા
થાનના સરોળી ગામે અગાઉ બહેનની છેડતી કરનાર શખ્સની વચ્ચે પડેલા કોળી યુવાનની ધુળેટીના દિવસે હત્યા કરી નાખવામ આવતા સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પૂર્વે બહેનની છેડતી કરનાર શખ્સ સાથે માથાકૂટ થઇ હતી જે મામલે ધુળેટી રમવા આવેલ શખ્સ ઉપર યુવતિના ભાઈએ હુમલો કર્યો હતો ત્યારે વચ્ચે પડેલા યુવાનને છરીનો એક ઘા વાગી જતાં તેનું મોત થયુ હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધુળેટીના દિવસે ખૂનની હોળી ખેલાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં થાનના સરોળી ગામે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગળાના ભાગે છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. સરોળી ગામે રહેતો સુરાભાઈ નાથાભાઈ કોળી ધુળેટીના દિવસે ગામમાં ધુળેટી રમતો હતો ત્યારે અગાઉ છેડતી બાબતે સરોળી ગામના ગોપાલ વિનુભાઈ મેટાળીયા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખી ગોપાલના ઘર પાસે ધુળેટી રમતા સુરા કોળી ઉપર છરીથી હુમલો કરવા જતાં તેનો મિત્ર મનસુખ ભૂપત સરવૈયા વચ્ચે પડ્યો હતો. જેથી સુરાના બદલે મનસુખને ગળાના ભાગે ઈજા થઇ હતી જેને પ્રથમ થાન અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી પરતું તે પૂર્વે જ તેનું મોત થયું હતું..
બનાવની જાણ થતા થાન ના પી.આઈ વી.કે.ખાંટ સહિતનો સ્ટાફ સરોળી ગામે દોડી ગયો હતો. હોળી-ધુળેટીના તહેવાર સમયે જ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક સુરા કોળીએ અગાઉ ગોપાલ ગોપાલ વિનુભાઈ મેટાળીયાની બહેન હેતલની છેડતી કરી હોય જે બાબતે બન્ને વચ્ચે માથાકૂટ થઇ હતી જો કે જે તે સમયે સમાધાન થઇ ગયું હતું. ગઈકાલે સુરો ધુળેટી રમવા ગોપાલના ઘર પાસે આવ્યો હોય જેથી જુના મનદુ:ખનો ખાર રાખી ગોપાલે છરીથી સુરા કોળી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મનસુખ વચ્ચે આવી જતાં આ બનાવ બન્યો હતો. અને છરીનો એક ઘા જીવલેણ સાબીત થયો હતો.