મિત્રના પાકિટમાંથી રૂપિયા 17 હજારની ચોરી કરનાર યુવકને સમાધાન માટે બોલાવી અપહરણ
ઉપલેટાના સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા કોળી યુવાનના મિત્રએ તેના એક અન્ય મિત્રના પાકિટમાંથી રૂા. 17 હજારની ચોરી કરી હોય જે બાબતનું સમાધાન માટે બોલાવી કોળી યુવાનને માર માર્યા બાદ સમાધાન માટે આવેલા યુવકનું પાંચ શખ્સોએ અપહરણ કરતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે નાકાબંધી કરાવી હતી અને અપહ્યત યુવાનને મુક્ત કરાવી છ શખ્સોની ધરપકડ કરી છે.
મળથી વિગતો મુજબ ઉપલેટાના સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા કિશન અશોકભાઈ ગુજરાતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગણોદ ગામના અમિત હરસુખ કલાડિયા અને તેની સાથેના અજાણ્યા પાંચ શખ્સોના નામ આપ્યા છે.
કિશને ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા. 16ના રોજ તેનો મિત્ર લલીત ઉર્ફેલાલો કિશોરભાઈ ધંધુકિયાએ તેને પોતાના કાકાની વાડીએ પોરબંદર હાઈવે પર સાંજે જમવા માટેનું આમંત્રણ આપ્યું હોય તે સાંજે જમવા ગયો ત્યારે લાલાએ તેને જણાવ્યું કે, થોડા દિવસો પૂર્વે બીજા મિત્રો સાથે દુમિયાણી ટોલનાકા પાસે જમવા ગયા ત્યારે મિત્ર અમિત હરસુખ કલાડિયાનું પાકિટ ચોરી લીધુંહતું. અને તેમાં રૂા. 17 હજારની રોકડ હતી. જે રૂપિયા તેને ખર્ચ કરી નાખ્યા હોય અને હવે તે રૂપિયા બાબતે અમિત અવાર નવાર તેને ગાળો આપતો હોય જેથી કિશનને સમાધાન માટેની વાત લાલાએ કરી હોય.
કિશને અમિતને ફોન કરી જમવા માટેવાડીએ બોલાવ્યો હતો. ત્યાર બાદ અમિતે કિશનને ઉપલેટા કોલકી બ્રીજ પાસે બોલાવ્યો ત્યારે બોલેરો કાર લઈને અમિત ત્યાં ઉભો હતો અમિત અને તેની સાથેના પાંચ શખ્સોએ કિશનને બોલેરોના પાછળના ભાગે લઈ જઈ પીકઅપ વાનમાં બેસાડી પોરબંદર તરફ લઈ ગયા હતાં. અને લાલાને ફોન કરીને સમાધાન માટે બોલાવવા કહ્યું હતું. કિશને તેના મિત્ર લલીત ઉર્ફે લાલાને ફોન કરીને બોલાવ્યો ત્યારે લાલાએ અમિતની માફી માંગી છતાં અમિત અને તેના સાથેના પાંચ શખ્સોએ લલીત ઉર્ફે લાલાને બોલેરો કારમાં ઉઠાવી ગયા હતાં. તે વખતે હાજર કિશન અને તેનો મામાનો પુત્ર સંજય બન્ને ત્યાંથી ભાગી ગયા અને પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉપલેટા પોલીસે નાકાબંધી કરાવી હતી. પીઆઈ બી.આર. પટેલ તથા એસઓજીના પીઆઈ એફ.એ. પારઘી અને તેમની ટીમે અમિત અને તેની સાથેના શખ્સોને ઝડપી લઈ અપહ્યત લલીતને મુક્ત કરાવ્યો હતો.