પાલીતાણામાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
પાલિતાણામાં ગારીયાધાર બાયપાસ રોડ પર આજે રાત્રે ત્રણ યુવક જાહેર રોડ પર ઉભા હતા ત્યારે અચાનક જ ધસી આવેલા ચાર શખ્સે છરી સહિતના હથિયારથી હુમલો કરતાં આ બનાવના પગલે ભારે દહેશતનો માહોલ ફેલાઇ ગયો હતો. આ હુમલામાં છરીના ઘા વાગતા ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકને ઇંજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા તો બનાવની જાણ થતાં જંગી પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ડુંગરપુર ગામમાં રહેતો અફઝલ દીનુભાઇ સમા તેના બે મિત્રો જુનેદ અને આકીબ જુસબભાઇ સમા સાથે પાલિતાણા ખાતે ગારીયાધાર બાયપાસ રોડ પર આવેલ સદવિચાર હોસ્પિટલ પાસે ઉભા હતા ત્યારે અચાનક જ પાલિતાણા સિટીમાં રહેતો સિકંદર પાંચાવાડીયા સહિતના ચાર શખ્સો છરી સહિતના હથિયાર સાથે ધસી આવ્યાં હતા અને તેમણે અફઝલ સમા તેમજ તેના બે મિત્રો પર હુમલો કર્યો હતો. જાહેર માર્ગ પર ત્રણ યુવક પર છરી જેવા ઘાતક હથિયારથી હુમલો થતાં આ બનાવના પગલે દહેશત અને નાસભાગ સર્જાઇ હતી. હુમલાખોરો હુમલો કરી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા તો એક જ કોમના બે જુથ વચ્ચે લોહીયાળ અથડામણ થતાં આ બનાવના કારણે સ્થળ પર મોટી સંખ્યાામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
આ બનાવ અંગે ડીવાયએસપી મિહીર બારીયાએ જણાવ્યું હતું કે, આ હુમલામાં અફઝલનું મોત થયું છે તો જુનેદ અને આકીબને ઇંજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં આ બનાવ પૈસાની લેતીદેતી બાબતે બન્યો હોવાનું જણાયું છે.પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલિતાણામાં હાલ પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે ત્યારે જાહેરમાં હુમલાના બનાવ બનતા લોકોમાં ભય ફેલાયો છે.