જસદણ પાસે યુવકને છરી ઝીંકી, કારની ઠોકરે ચડાવ્યો
કોટડાપીઠામાં છરી વડે હુમલો થતા ઇજાગ્રસ્ત યુવાન બાઇક પર બેસી ભાગતા હુમલાખોરના મિત્રએ ઘુઘરાળા પાસે કાર હડફેટે ચડાવ્યાનો આક્ષેપ
આટકોટમા રહેતો યુવાન ચરખા ગામે માતાજીનાં માંડવામાથી પરત ફરતો હતો ત્યારે કોટડાપીઠા ગામ પાસે જુની અદાવતમા એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલો યુવક બાઇક પર બેસીને ભાગ્યો હતો ત્યારે ઘુઘરાળા પાસે પહોચતા હુમલાખોર શખસનાં મિત્રએ બાઇકને કારની ઠોકરે ચડાવતા યુવકને ગંભીર ઇજા પહોંચતા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ આટકોટમા આવેલા કૈલાશનગરમા રહેતો રમેશભાઇ બાલાભાઇ દાફડા નામનો 3પ વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાનાં અરસામા કોટડાપીઠા ગામે હતો ત્યારે કિશન ગોવિંદ પરમાર નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. યુવકને માથાનાં ભાગે ઇજા પહોંચતા હરેશ ચના પરમારનાં બાઇક પાછળ બેસીને જઇ રહયો હતો ત્યારે કોટડાપીઠા નજીક ઘુઘરાળા ગામના પાટીયા પાસે મનુ વાલજી નામના શખસે બાઇકને કારની ઠોકરે ચડાવ્યુ હતુ .
હુમલામા ઘવાયેલા રમેશભાઇ દાફડાને કાર અકસ્માતમા પણ ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરતા બાબરા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત રમેશ દાફડા મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. રમેશ દાફડા ચરખા ગામે માતાજીનાં માંડવામા ગયો હતો.
જયાથી પરત ફરતી વખતે કોટડાપીઠા ગામે પહોચતા કિશન પરમાર નામના શખસે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલો યુવાન બાઇક પાછળ બેસીને ભાગ્યો હતો ત્યારે હુમલાખોર કિશન પરમારનાં મિત્ર મનુ વાલજીએ ઘુઘરાળા પાસે કારની ઠોકરે ચડાવ્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. આક્ષેપના પગલે બાબરા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છેે.