રાજકોટમાં મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરતા યુવકની હત્યા
મહિલાના પતિ સહિત ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, બેની ધરપકડ
15 દિવસ પહેલા જ પરણેલી યુવતીને અગાઉના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતા લોથ ઢળી
રાજકોટના જીલ્લા ગાર્ડન નજીક બાપુનગરમાં એક યુવાનની તેના જ મિત્ર સહીત ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી.બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી બે હત્યારાઓને સકંજામાં લઈ અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.હત્યાનું કારણ અંગે જાણવા મળ્યું કે, 15 દિવસ પૂર્વે આરોપીએ જે યુવતી સાથે લગ્ન કર્યા હતા તેણે મૃતક યુવક અગાઉના ફોટા બતાવી બ્લેકમેલીંગ કરતો હતો જે બાબતની જાણ નવપરિણીત યુવતીના પતિને થતા યુવકને મળવા બોલાવી બે મિત્રો સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટના જીલ્લા ગાર્ડન પાસેના બાપુનગર આવાસ ક્વાર્ટર્સમાં રહેતો ઈશાન મુસ્તફાભાઈ કાસમાણી (ઉ.વ.20) સોમવારે રાત્રે નવેક વાગ્યે જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર મેઇન રોડ પર હતો ત્યારે અફઝલ સિકંદર જુણેજા તેની પાસે આવ્યો હતો અને કોઇ વાત કરી ઈશાનને પોતાની સાથે લઈ ગયો હતો. બંને થોડે દૂર પહોંચ્યા હતા તે સાથે જ અમને મહેબૂબ ચૌહાણ ધસી આવ્યો હતો અને જીશાન પર પાઈપથી તૂટી પડ્યો હતો. હિચકારો હુમલો થતાં ઈશાને દેકારો મચાવ્યો હતો. લોકો એકઠા થવા લાગતાં અમન ચૌહાણે છરીનો ઘા ઈશાનને ઝીંકી દીધો હતો. ઝનૂનથી છરીનો ઘા ઝીંકાતા ઈશાન કાસમાણી લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો અને હુમલાખોર અમન ચૌહાણ તથા અફઝલ જુણેજા નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા જીશાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ ઈશાનનું મોત થયું હતું.
હત્યાની ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર સાથે એસીપી જાદવ તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. સરવૈયા અને રાઇટર નિલેશભાઈ સહિતનો કાફલો દોડી ગયો હતો. આ મામલે મૃતકના ઇશાનના પિતા મુસ્તુફા હબીબભાઈ કાસમાણીની ફરિયાદને આધારે અમન મહેબુબ ચૌહાણ, અફઝલ સિકંદર જુણેજા અને સાહિલ હુશેન પતાણી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ભક્તિનગર પોલીસે મોડી રાતે અફઝલ સિકંદર જુણેજા અને સાહિલ હુશેન પતાણીની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઈશાન બે બહેનનો એકનો એક ભાઈ હતો અને બાપુનગર મેઈન રોડ પર બટેટાવાળાની લારીમાં કામ કરતો હતો.
આરોપી અમન ચૌહાણ અને ઇશાન બન્ને મિત્રો હતા અમનના પંદરેક દિવસ પૂર્વે તેજ વિસ્તારની યુવતી સાથે જ લગ્ન થયા હતા. અમનના જે યુવતી સાથે લગ્ન થયા તે યુવતી મૃતક ઇશાન સાથે અગાઉ સંબંધ ધરાવતી હતી. હત્યારા અમનની પત્ની સાથે ઈશાનને અગાઉ સંબંધ હતો. મૃતક ઇશાન લગ્ન બાદ અમનની પત્નીને પામવા માટે ધમપછાડા કરતો હતો અને અમનની પત્ની સાથેના નગ્ન ફોટા બતાવી લગ્ન બાદ તેણે બ્લેકમેલીંગ કરતો હતો જે બાબતની જાણ અમનને થતા તેણે સોમવારે અમને ઇશાનને મળવા બોલાવી બન્ને મિત્રો અફઝલ સિકંદર જુણેજા અને સાહિલ હુશેન પતાણી સાથે મળી ઇશાનની હત્યા કરી હતી. એકના એક પુત્રની હત્યાથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ભક્તિનગર પોલીસે હત્યાના સુત્રધાર અમનને ઝડપી લેવા ઠેર ઠેર દરોડા પડ્યા હતા.