ભાવનગરના સિહોરમાં નાણાંની લેતી-દેતીમાં યુવાનનું અપહરણ કરી કારખાનામાં પુરી દીધો
ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતા અને રાજપરા ખોડિયાર મંદિરમાં સેવાપૂજા કરતા યુવાને વ્યાજે લીધેલા રૂૂ.12 લાખની ઉઘરાણી મામલે સિહોરમાંથી ઉઠાવી જઈ ભાવનગર અને અધેવાડા લઇ જઈ શખ્સોએ માર મારી યુવાનના મોબાઈલ ફોન અને ઘરની ચાવી ઝૂંટવી લઈ એક કારખાનાના રૂૂમમાં પૂરી દીધો હતો.યુવાન રૂૂમની બારી તોડી બહાર આવ્યા બાદ તેણે સિહોરના શખ્સ,તેના ભત્રીજા સહિત પાંચ શખ્સ વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સિહોરના સ્ટેશન રોડ,સ્વસ્તિક સોસાયટી, કોમલરાજ ગ્રાઉન્ડ પાછળ રહેતા અને રાજપરા ખોડિયાર મંદિરમાં સેવાપૂજા કરતા યુવાન હિરેનપુરી ઉર્ફે સન્ની સુરેશપુરી ગૌસ્વામીએ સિહોરમાં રહેતા ઘનશ્યામ મોંઘાભાઇ કોતર પાસેથી ધંધો કરવા માટે રૂૂ.12 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા અને દર મહિને વ્યાજના મળી સાડા આઠથી નવ લાખ જેટલી રકમ ચૂકવી હતી.ગઈકાલે બપોરના સમયે ઘનશ્યામ કોતર હિરેનપુરીના ઘરે આવ્યો હતો અને બાકી રકમની ઉઘરાણી કરી રૂૂ.22 લાખની માંગણી કરી હતી અને આ રકમ તારે આપવી પડશે તેમ જણાવી ચૂકવણી માટે મકાન વેચી નાખવાનું કહ્યું હતું.
ત્યાર બાદ ઘનશ્યામ કોતર હિરેનપુરીને તેના સ્કૂટર ઉપર બેસાડી ભાવનગરની સર ટી.હોસ્પિટલ પાસે લઈ ગયો હતો,જ્યાં તેનો ભત્રીજો કાર લઈને આવતા હિરેનપુરીને કારમાં બેસાડી તેના બન્ને મોબાઇલ ફોન લઈ લીધા હતા અને લાફા મારી કારમાં ઝાંઝરિયા હનુમાનજી મંદિર પાસે આવેલ એક ઝાડ પાસે લઈ ગયા હતા.આ સ્થળે ત્રણ અજાણ્યા માણસો હાજર હોય તેમને ઘનશ્યામ કોતરે પએક મહેમાન લાવ્યો છું,તેની ખાતીરદારી કરવાની છે પ તેમ કહી કારમાંથી નીચે ઉતરી હિરેનભાઇના ઘરની ચાવી લઈ લીધી હતી.
ત્રણ અજાણ્યા શખ્સોએ પણ ગાળો આપ્યા બાદ હિરેનપુરીને એક કારખાનાના રૂૂમમાં પૂરી દઈ રકમ ન આપે ત્યાં સુધી જવા દેવાનો નથી તેમ કહી જતા રહ્યા હતા.હિરેનપુરી મોદી સાંજે રૂૂમની બારી તોડી બહાર આવ્યા હતા અને તેના ભાઈને બોલાવી ઘરે પહોંચ્યા હતા.આ બનાવ અંગે હિરેનપુરી સુરેશપુરી ગૌસ્વામીએ ઘનશ્યામ કોતર,તેનો ભત્રીજો અને ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
-----